મીરા રોડની ઘટનામાં આરોપીને પકડવા તમામ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી. ઘાયલ કૉન્સ્ટેબલને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
પોલીસ-કૉન્સ્ટેબલ જયકુમાર રાઠોડ.
મુંબઈ ઃ આરોપીઓ પકડાયા બાદ છટકી ન જાય એ માટે તેમને હાથકડી પહેરાવવામાં આવે છે, પરંતુ મીરા રોડમાં એક કેસ સામે આવ્યો છે જેમાં આરોપીના હાથમાં હાથકડી પહેરાવી હોવા છતાં તેણે લોખંડના સળિયાથી પોલીસ પર હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના તાબા હેઠળના એક આરોપી પોલીસ-કર્મચારી પર લોખંડના સળિયા વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. આ હુમલામાં ક્રાઇમ બ્રાન્ચના સેન્ટ્રલ યુનિટનો કૉન્સ્ટેબલ જયકુમાર રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી મીરા રોડની હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
મીરા રોડની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઇલ ફોન ચોરીના કેસમાં એક ચોરની અટકાયત કરી હતી. તેની વધુ પૂછપરછ માટે હાથકડી પહેરાવીને તેને ઑફિસમાં રાખવામાં આવ્યો હતો તેમ જ બે પોલીસ-કર્મચારી પણ તેની સુરક્ષા માટે હતા. રવિવારે મધરાતે દોઢ વાગ્યે બંદોબસ્તમાંથી એક પોલીસ-કર્મચારી ખાવાનું લાવવા ગયો એ વખતે આરોપી સાથે પોલીસ કૉન્સ્ટેબલ જયકુમાર રાઠોડ ઑફિસમાં હતો ત્યારે આ ચોર હાથકડીમાંથી હાથ બહાર કાઢી લેવામાં સફળ રહ્યો હતો અને ઑફિસમાં રહેલા લોખંડના સળિયા વડે જયકુમાર રાઠોડને માથામાં ફટકો મારીને ઑફિસમાંથી ભાગી છૂટ્યો હતો. આ હુમલામાં જયકુમાર રાઠોડને માથામાં ત્રણ જગ્યાએ ગંભીર ઈજા થઈ હોવાથી તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીરા રોડના પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) રાહુલ પાટીલે માહિતી આપી હતી કે ‘હુમલામાં ઘાયલ જયકુમાર રાઠોડની સારવાર બાદ તેઓ હવે ખતરાથી બહાર છે અને તેમની સર્જરી કરવામાં આવી છે.’
આરોપીની તપાસ માટે ટીમ બનાવવામાં આવી
ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાંથી આરોપી ફરાર થયો હોય એવી આ પહેલી ઘટના છે. એમાં પણ આરોપીએ પોલીસ પર હુમલો કરતાં આ આખો મામલો ગંભીર બન્યો છે. રાતનો સમય હોવાથી ઑફિસમાં અન્ય વિભાગના કોઈ કર્મચારી નહોતો એટલે આરોપી સહેલાઈથી ભાગી શક્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જે આરોપીની અટકાયત કરી હતી તે નશાખોર હતો. પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી હાથકડીમાંથી હાથ બહાર કાઢી શક્યો હોવાથી આ હુમલો કર્યો હતો. કમિશનરેટની તમામ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે મળી તેણે આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે.