ફુટપાથ પચાવી પાડતા ફેરિયાઓ બદલ શું કરવું એ વિચારતી રહે એના કરતાં આ બાબતે હવે ખરેખર કોઈ મક્કમ પગલાં લેવાં જોઈએ.
લોકસભાની ચૂંટણી પહેલાં ઘાટકોપરમાં યોજાયેલા નરેન્દ્ર મોદીના રોડ-શો વખતે રસ્તા પરથી તમામ ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા હતા. (તસવીર -શાદાબ ખાન)
ફુટપાથ ગેરકાયદે પચાવી પાડતા ફેરિયાઓ સામે કાર્યવાહી ન કરનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર ગઈ કાલે ફરી એક વાર હાઈ કોર્ટ વરસી પડી હતી. બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘જ્યારે પ્રાઇમ મિનિસ્ટર (PM), ચીફ મિનિસ્ટર(CM) કે પછી કોઈ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન (VIP) આવવાના હોય ત્યારે ફુટપાથો ક્લિયર થઈ જાય છે અને ફેરિયાઓને પણ હટાવી લેવાય છે તો પછી રોજેરોજ સામાન્ય જનતા માટે કેમ ફુટપાથ ખાલી નથી કરાવી શકતા? નાગરિકોને ચાલવા માટે ક્લિયર અને સેફ ફુટપાથ હોવી એ મૂળભૂત અધિકાર છે અને રાજ્ય સરકારે એ ભૂલવું ન જોઈએ. દર વખતે રાજ્ય સરકાર ગેરકાયદે ફુટપાથ પચાવી પાડતા ફેરિયાઓ બદલ શું કરવું એ વિચારતી રહે એના કરતાં આ બાબતે હવે ખરેખર કોઈ મક્કમ પગલાં લેવાં જોઈએ.’
જસ્ટિસ એમ. એસ. સોનક અને જસ્ટિસ કમલ ખાતાની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે ‘અમને પણ ખબર છે કે ગેરકાયદે ફેરિયાઓની સમસ્યા મોટી છે, પણ રાજ્ય સરકાર કે પછી સુધરાઈ એને જેમ છે એમ ન રાખી શકે. તેમણે આ બાબતે સખતાઈથી કાર્યવાહી કરવી જ પડશે. નાગરિકો ટૅક્સપેયર છે, તેમને પણ ચાલવા માટે સેફ અને ક્લિયર ફુટપાથ મળવી જોઈએ. આપણે આપણાં બાળકોને કહીએ છીએ કે ફુટપાથ પર ચાલજો, પણ ફુટપાથ પર ચાલવાની જગ્યા જ ન હોય તો તે બાળકો પણ શું કરશે. વર્ષોથી સિવિક ઑથોરિટી આના પર કામ કરી છે, પણ હવે રાજ્ય સરકારે આના પર ગંભીરતાથી કામ કરવું પડશે. એવું લાગે છે કે તેમને એ બાબતે કંઈ કરવાની ઇચ્છા જ નથી, જો ઇચ્છાશક્તિ હોય તો રસ્તાઓ મળી જ રહે છે.’
ADVERTISEMENT
BMC તરફથી રજૂઆત કરતાં સિનિયર ઍડ્વોકેટ એસ.યુ. કામદારે કહ્યું હતું કે ‘આ ફેરિયાઓ સામે સમયાંતરે પગલાં લઈ તેમની સામે કાર્યવાહી કરાતી હોય છે, પણ તેઓ ફરી આવીને બેસી જાય છે. BMC હવે અન્ડર ગ્રાઉન્ડ માર્કેટ બનાવવાનું વિચારી રહી છે.’
જોકે કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ તો તમે સમસ્યાને છુપાવવા જેવું કામ કરી રહ્યા છો. તમે ફેરિયાઓ સામે પગલાં લઈ જે દંડ ફટકારો છો એના કરતાં તો વધારે તેઓ રોજનું કમાય છે. એથી એનો કોઈ અર્થ સરતો નથી. તમે તે લોકો સામે કરેલી કાર્યવાહીનો ડેટા બનાવો જેથી તે ત્યાં ફરી ન બેસે. પહેલાં એક ગલીથી શરૂઆત કરો. મૂળ સમસ્યા આ લોકોને ઓળખી કાઢવાની છે, તેમના આઇડેન્ટિફિકેશનની છે. તેમની માહિતી લઈ કાર્યવાહી કરો અને તેમને ફરી બેસવા ન દો. અત્યારે તેઓ ફરી પાછા આવે છે, કારણ કે તેમની ઓળખ જ કરાતી નથી.’