એકનાથ શિંદેનાં નેતા નીલમ ગોર્હેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો સનસનાટીભર્યો આક્ષેપ- આવા સ્ફોટક વિધાનના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જવા દો, હું આવી વાતો પર ધ્યાન નથી આપતો
ગઈ કાલે દિલ્હીમાં ૯૮મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં ડૉ. નીલમ ગોર્હેનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાયેલાં નેતા ડૉ. નીલમ ગોર્હેએ દિલ્હીમાં ચાલી રહેલા ૯૮મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં ગઈ કાલે સ્ફોટક નિવેદન કરીને બધાને ચોંકાવી દીધા હતા. સંમેલનમાં ‘અસે ઘડલો આમ્હી’ કાર્યક્રમમાં તેમણે પોતાની જૂની પાર્ટી વિશે કહ્યું હતું કે ઠાકરેની શિવસેનામાં બે મર્સિડીઝની સામે એક પદ આપવામાં આવતું હતું.
ડૉ. નીલમ ગોર્હેના આ વિધાન બાદ તમામ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેને આ બાબતે પત્રકારોએ પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે ‘જવા દો, હું આવી વાતો પર ધ્યાન નથી આપતો. એક મહિલા તરીકે તેમનો મને આદર છે. રાજકારણમાં તેમણે સારું કામ કર્યું છે. તેમને એવું લાગતું હશે કે તેમણે શિવસેનાને પતાવી દીધી છે, પણ મારા જૂના અને નિષ્ઠાવંત કાર્યકરો મારી સાથે છે.’
ADVERTISEMENT
ઉદ્ધવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ નીલમ ગોર્હેને ચાર વખત વિધાનસભ્ય બનાવ્યાં છે. તેમણે કેટલી મર્સિડીઝ આપી? આઠ મર્સિડીઝ આપી હતી? તેમણે એની પાવતી લાવીને દેખાડવી જોઈએ.’
સંમેલનમાં ‘અસે ઘડલો આમ્હી’ કાર્યક્રમમાં વિધાન પરિષદનાં સભ્ય નીલમ ગોર્હેને એકનાથ શિંદે સાથે જવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમને એવું લાગ્યું કે બાળાસાહેબના પુત્ર મુખ્ય પ્રધાન બન્યા છે એ સારું જ છે. જોકે ત્યાર બાદ તેમણે કાર્યકરોને મળવાનું જ બંધ કરી દીધું હતું. અમે દિવસમાં બે વાર RT-PCR (કોરોના માટેની ટેસ્ટ) કરાવીએ તો પણ મળવા નહોતું મળતું. કાર્યકર્તાઓને કોઈએ ઓછા ન આંકવા જોઈએ. ૨૦૧૨થી શિવાજી પાર્કમાં થતા શિવસેનાના પ્રત્યેક કાર્યક્રમ માટે થાણેથી માણસો લાવવામાં આવતા હતા અને આ કામ એકનાથ શિંદેને આપવામાં આવ્યું હતું.’
આનો મતલબ એવો થયો કે ૨૦૧૨થી તેમણે શિવસેનાને ઉથલાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો? એવા પ્રશ્નના જવાબમાં નીલમ ગોર્હેએ કહ્યું હતું કે ‘એવું નહોતું. આ બધું તેમના પર થોપવામાં આવતું હતું. એ સમયે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં બે મર્સિડીઝ આપો તો એની સામે તમને એક પદ આપવામાં આવતું હતું.’
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને નીલમ ગોર્હેના વિધાન બાબતે કહ્યું હતું કે ‘આવું ઘણુંબધું આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળીએ છીએ. નીલમતાઈએ જ્યારે આ કહ્યું છે તો એમાં કંઈક તથ્ય હશે.’

