અદાણીને છીંક આવે ને આખું બજાર શરદીથી પીડાવા માંડે એવો ઘાટ
ફાઇલ તસવીર
અદાણી ગ્રુપના શૅરોમાં ફરી એક વાર નાનકડો ધરતીકંપ આવ્યો છે. વિશ્વાસની કટોકટી સપાટી પર આવી છે. આ વખતે પણ એક રિપોર્ટ અહીં કારણભૂત બન્યો છે. એક વિદેશી ફૉરેન્સિક ફાઇનૅન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ તરફથી અદાણી ગ્રુપની કંપનીઓમાં દાયકાથી અકાઉન્ટિંગ ફ્રૉડ તેમ જ શૅરોના ભાવમાં મૅનિપ્યુલેશન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એના મતે અહેવાલના તથ્યને બાજુએ મૂકીને અદાણી ગ્રુપનું વૅલ્યુએશન એની બૅલૅન્સશીટ પ્રમાણે કરાય તો પણ શૅરના ભાવ હાલના લેવલથી ૮૫ ટકા જેટલા નીચે જવાનું સંભવ છે. મતલબ કે અદાણીના શૅર લગભગ ૬ ગણા ઊંચા અને ખોટા ભાવે હાલમાં ચાલી રહ્યા છે. આખો અહેવાલ ઘણો મોટો, દળદાર છે. બે વર્ષનું ઇન્વેસ્ટિગેશન એની પાછળ છે. અદાણી ગ્રુપ તરફથી હિંડનબર્ગના રિપોર્ટને બદઇરાદાથી પ્રેરિત કે દ્વેષભાવવાળો ગણાવીને એનો વિરોધ કરવામાં આવ્યો છે, જે સહજ છે.
મજાની વાત એ છે કે આ રિપોર્ટને પગલે બુધવારે એક જ દિવસમાં અદાણીના તમામ ૧૦ શૅર ગગડતાં ગ્રુપનું માર્કેટકૅપ ૯૬,૬૭૦ કરોડ જેટલું સાફ થઈ ગયું છે. એની સાથે સેન્સેક્સ ૭૭૪ પૉઇન્ટ બગડ્યો છે અને એમાં રોકાણકારના ૩.૯૧ લાખ કરોડ ધોવાઈ ગયા છે. અદાણી ગ્રુપના શૅર અહેવાલના પગલે ગગડે એ સાહજિક છે, પરંતુ બૅન્કિંગ-ફૉઇનૅન્સના શૅર ગઈ કાલે જે રીતે ખરડાયા એ બહુ સૂચક છે! એક રિપોર્ટની અસર ગૌતમબાબુને તેમ જ સમગ્ર બજારને જે રીતે થઈ છે એ બેશક બજારની તંદુરસ્તી માટે સારાં એંધાણ તો નથી જ. અદાણીને છીંક આવે ને આખું બજાર માંદું પડી જાય એવી હાલત છે આ!