આ પ્રશ્ન પૂછી રહ્યા છે વિરારથી આગળ રહેતા પ્રવાસીઓ. આ સેક્શનને પણ સબર્બન રેલવેમાં સમાવવામાં આવ્યો હોવાથી તેમણે રેલવે પાસે મુંબઈના પ્રવાસીઓ જેવી જ સુવિધાની માગ કરી
પાલઘરના સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિત (છેક જમણે) વેસ્ટર્ન રેલવેના અધિકારીઓને મળ્યા હતા.
મુંબઈ : વિરારથી આગળની લોકલ ટ્રેન-સર્વિસમાં સુધારો થવો જોઈએ એવી અપીલ સાથે પાલઘરના સંસદસભ્ય અને વિધાનસભ્ય એક મહિનાની અંદર વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર અશોકકુમાર મિશ્રાને મળ્યા હતા અને સૂચનો પણ કર્યાં હતાં.
સોમવારે પાલઘરના સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિત પૅસેન્જર અસોસિએશન્સના પ્રતિનિધિઓ સાથે અશોકકુમાર મિશ્રાને મળ્યા હતા અને વિરાર-દહાણુ વચ્ચેના સેક્શન પર વધુ સુવિધાની માગણી કરી હતી.
ADVERTISEMENT
તેમણે ઉમેર્યું હતું કે ‘રાજ્ય સરકારે પાલઘરમાં ૧૦૦૦ એકર જમીન પર વધુ રહેણાક કૉમ્પ્લેક્સ સાથે જિલ્લાનું વિકાસકાર્ય હાથ ધર્યું છે. હાલના અને ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને પાલઘરમાં બહેતર રેલવે સુવિધા હોવી જરૂરી છે. પ્રારંભિક તબક્કામાં પાલઘરમાં વધારાનું ચોથું પ્લૅટફૉર્મ, વધુ ટિકિટબારીઓ અને બહેતર સુવિધાઓ ઊભી કરી શકાય.’
અશોકકુમાર મિશ્રાએ રાજેન્દ્ર ગાવિતની માગણીઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે એક વખત વિરાર અને દહાણુ વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન આવી ગયા પછી સેક્શનમાં ફેરફાર હાથ ધરાશે. બે સપ્તાહ પહેલાં પાલઘરના વિધાનસભ્ય શ્રીનિવાસ વાંગા સમાન ફરિયાદ લઈને અશોકકુમાર મિશ્રાને મળ્યા હતા અને વિરારથી આગળની ટ્રેન-સર્વિસમાં સુધારો કરવાની માગણી કરી હતી તથા નવી વંદે ભારત ટ્રેનથી અન્ય ટ્રેનો મોડી પડતી હોવાની ફરિયાદ કરી હતી.
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘વિરારથી આગળ ફક્ત બે લાઇન મોજૂદ હોવાથી મર્યાદા રહેલી છે અને વિરાર-દહાણુ વચ્ચે ૬૩ કિલોમીટરની લાઇનના પટ્ટાને ચાર ગણો કરવાનો પ્રોજેક્ટ હાલમાં મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન ઝડપથી આગળ ધપાવી રહ્યું છે.’
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ પ્રોજેક્ટના ભાગરૂપે ચોક્કસ સ્ટેશન્સ પર નવાં પ્લૅટફૉર્મ્સ અને અલાઇનમેન્ટ્સ તૈયાર થઈ રહ્યાં છે તથા બ્રિજ પહોળા અને મજબૂત થઈ રહ્યા છે. એક વખત ક્વૉડ્રપ્લિંગનું કામ થઈ ગયા પછી ક્ષમતાની મર્યાદા દૂર થઈ જશે અને મેઇલ/એક્સપ્રેસ અને સબર્બન ટ્રાફિકને વર્ગીકૃત કરી શકાશે, વધુ ટ્રેનો ઉમેરી શકાશે અને ફ્રીક્વન્સી પણ વધારી શકાશે. આ પ્રોજેક્ટની સમયમર્યાદા માર્ચ, ૨૦૨૫ની છે.’