બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યો સવાલ, આગામી સુનાવણી હવે ૨૮ ઑગસ્ટે
લોઅર પરેલની એક ગણેશ વર્કશૉપમાં મૂર્તિ બનાવતો એક કારીગર. (તસવીર - આશિષ રાજે)
પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી એને કારણે પાણીમાં થતા પ્રદૂષણને લીધે એના પર ધ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે મૂકેલા સંપૂર્ણ પ્રતિબંધ સંદર્ભે રાજ્ય સરકારે શું પગલાં લીધાં એની માહિતી બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકાર પાસે માગી છે અને હવે પછીની સુનાવણી ૨૮ ઑગસ્ટ પર ઠેલી છે.
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડની મે ૨૦૨૦ની રિવાઇઝ્ડ ગાઇડલાઇન છતાં રાજ્યમાં હજી પણ PoPની મૂર્તિઓ પર સદંતર બૅન નથી મુકાયો એવી રજૂઆત કરીને નાગરિકોના એક ગ્રુપે કરેલી અરજી સંદર્ભે બુધવારે થયેલી સુનાવણી વખતે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરે આ બાબતે રાજ્ય સરકારે શું પગલાં લીધાં એ જણાવવા કહ્યું છે.
ADVERTISEMENT
અરજદારનાં વકીલ રોનિતા ભટ્ટાચાર્યએ આ બાબતે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘ધ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે PoPની મૂર્તિ પર ૨૦૨૦માં પ્રતિબંધ મૂકી દીધો હતો અને એ ૨૦૨૧થી અમલમાં પણ આવી ગયો છે. એમ છતાં રાજ્ય સરકાર PoPની મૂર્તિ બનાવનારાઓ સામે એનો અમલ કરાવવામાં ઢીલું વલણ અપનાવી રહી છે. ધ સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડનું કહેવું છે કે પાણીનું પૉલ્યુશન ખાળવા માટે માટીની અથવા પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબલ મટીરિયલની મૂર્તિઓ બનાવવામાં આવે.’
માટીની મૂર્તિઓ બનાવીએ, પણ એમાં કેટલાક ટેક્નિકલ પ્રૉબ્લેમ
સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માટીની મૂર્તિઓ બનાવવાનો વાંધો નથી, પણ એટલા મોટા પ્રમાણમાં સરકારે અમને માટી મેળવી આપવી જોઈએ. બીજું, શાડુ માટીની એ મૂર્તિ વજનમાં ભારે થઈ જાય છે એટલે એને બહુ મોટી સાર્વજનિક મૂર્તિઓ જેટલી ન બનાવી શકાય. વળી એની હેરફેર કરવી મુશ્કેલ હોય છે. ત્રીજું, એ મૂર્તિ બેથી ત્રણ દિવસ ટકે છે. એ પછી એમાં તિરાડો પડવા માંડે છે. આમ શાડુ માટીની મૂર્તિ સાથે આ કેટલીક સમસ્યાઓ પણ સંકળાયેલી હોય છે.’