સોલર પાવર્ડ ઇન્ટીરિયર્સ અને ૧૨ કાર વૉકથ્રૂ સુવિધા ધરાવતી મુંબઈની પહેલી લોકલ ટ્રેનની એન્ટ્રી થઈ ચૂકી છે.
Local Train
પેસેજ-વેમાંથી પ્રવાસીઓ કોઈ પણ કમ્પાર્ટમેન્ટમાં જઈ શકે છે.
મુંબઈ : સોલર પાવર્ડ ઇન્ટીરિયર્સ અને ૧૨ કાર વૉકથ્રૂ સુવિધા ધરાવતી મુંબઈની પહેલી લોકલ ટ્રેનની એન્ટ્રી થઈ ચૂકી છે. આ વૉકથ્રૂ ટ્રેનને પ્રવાસીઓનો ઉત્સાહસભર પ્રતિસાદ સાંપડ્યો હતો. ૧૨ ડબ્બા ધરાવતી ટ્રેનના પ્રથમ દિવસે એમાં મુસાફરી કરનારા વિરારના રાઘવકુમારે જણાવ્યું હતું કે ‘આ ટ્રેન ગમી જવી સ્વાભાવિક છે, કારણ કે પ્લૅટફૉર્મ પર કોઈ પણ જગ્યાએ ઊભા રહી શકાય છે, કોચમાં પ્રવેશીને ટ્રેનની અંદર કોઈ પણ જગ્યાએ જઈ શકાય છે.’
રેલવેએ લોકલ ટ્રેનોના સ્થાને આ ટ્રેનો ગોઠવવી જોઈએ એમ અન્ય પ્રવાસીએ કહ્યું હતું. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘નવી ટ્રેન મંગળવારે શરૂ કરાઈ હતી. અમે નવી સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ, પણ એક વખત જૂની એસી લોકલ મેઇન્ટેનન્સ શેડ્યુલમાંથી પાછી ફરે એ પછી એમ થઈ શકશે.’
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘રેલવેએ હવે મુંબઈ લોકલ ટ્રેન્સના સમગ્ર કાફલાને એસી ટ્રેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ટ્રેન મુંબઈની ભાવિ લોકલ્સનું પ્રતિબિંબ પાડે છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો:સેન્ટ્રલ રેલવે પર 27 કલાક લાંબા મેગાબ્લોક વચ્ચે થાણે સ્ટેશન પર ભીડ, જુઓ તસવીરો
વંદે ભારત એક્સપ્રેસને અનુરૂપ બનાવાયેલી આ ટ્રેન સોલર પૅનલ્સથી સજ્જ શહેરની પ્રથમ ટ્રેન છે. ૨૦૧૮માં આ ટ્રેનનું આગમન થયું હતું અને દેશવ્યાપી ટ્રાયલ્સ, ટેસ્ટ અને સર્ટિફિકેશનના સઘન દોર પછી ગયા અઠવાડિયે એને મંજૂરીઓ મળી હતી. ઇન્ડિયન રેલવેએ ગયા અઠવાડિયે નવી માર્ગદર્શિકા અને નિયમનકારી મંજૂરીઓ જાહેર કરી એ પછી ભવિષ્યમાં તૈયાર થનારી એસી લોકલ ટ્રેનો માટે આવી જ ૧૨ કોચની વૉકથ્રૂ ટ્રેનને પરવાનગી આપવાનું નક્કી થયું હતું. વળી મુંબઈના રેલવે પ્રવાસીઓએ સૂચવેલાં ઘણાં ફીચર્સ પણ આ નવી ટ્રેનમાં સામેલ કરાયાં છે. એમાં વધુ લોકો સરળતાથી આવી-જઈ શકે અને ઊભા રહી શકે એ માટે પહોળો ગૅન્ગવે, લગેજ રૅકમાં સુધારો વગેરેનો સમાવેશ છે.