મુંબઈના ઉપનગરીય વિભાગમાં એસી સર્વિસની કુલ સંખ્યા ૭૯થી વધીને ૯૬ થઈ : દહાણુ રોડ-અંધેરી લોકલ ચર્ચગેટ સુધી લંબાવવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓની એસી લોકલ ટ્રેનોની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ સોમવારથી એટલે કે ૬ નવેમ્બરથી મુંબઈ ઉપનગરીય વિસ્તાર પર એસી લોકલ સેવાઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન રેલવે પર ૧૭ નવી એસી સેવાઓ ઉમેરાતાં એસી સેવાઓની કુલ સંખ્યા હવે ૭૯થી વધીને ૯૬ થશે. આ ઉપરાંત દહાણુ લોકલના પ્રવાસીઓની માગણીને પહોંચી વળવા દહાણુ રોડ-અંધેરી લોકલને ચર્ચગેટ સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘એસી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એથી મુસાફરોની સુવિધા અને ભીડને સમાવવા માટે વેસ્ટર્ન રેલવે પર વધુ ૧૭ એસી સેવાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ સેવાઓ સોમવારથી શુક્રવાર સુધી એસી સેવાઓ અને શનિવારે અને રવિવારે નૉન-એસી સેવાઓ તરીકે ચાલશે. લોકલ ટ્રેન સેવાઓની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં એટલે કે ૯૬ એસી લોકલ ટ્રેન સહિતની સેવાઓની કુલ સંખ્યા ૧૩૯૪ રહેશે. આ ઉપરાંત હાલમાં દહાણુ રોડ અને અંધેરી સ્ટેશન વચ્ચે જે ટ્રેન ચાલે છે એને ચર્ચગેટ સ્ટેશન સુધી લંબાવવામાં આવશે. એના પરિણામે કેટલીક ઉપનગરીય સેવાઓના સમયમાં ફેરફાર થશે. એથી શરૂ કરવામાં આવેલી વધારાની ૧૭ સેવાઓમાંથી ૯ સેવાઓ ઉપરની દિશામાં છે અને ૮ સેવાઓ નીચેની દિશામાં છે. ઉપરની દિશામાં નાલાસોપારા-ચર્ચગેટ, વિરાર-બોરીવલી અને ભાઈંદર-બોરીવલી વચ્ચે એક-એક સેવા, વિરાર-ચર્ચગેટ વચ્ચે બે સેવા અને બોરીવલી-ચર્ચગેટ વચ્ચે ચાર સેવા છે. એવી જ રીતે નીચેની દિશામાં ચર્ચગેટ-ભાઈંદર અને બોરીવલી-વિરાર વચ્ચે એક-એક સેવા, ચર્ચગેટ-વિરાર અને ચર્ચગેટ-બોરીવલી વચ્ચે ત્રણ-ત્રણ સેવા છે.’