પ્રવાસીઓને બેટર કનેક્ટિવિટી મળી રહે એ માટે શરૂ થનારું આ કામ માર્ચ ૨૦૨૨માં શરૂ થશે
ચર્ની રોડ સ્ટેશન પર તોડી પડાયેલી સાઉથ-ઍન્ડ એલિવેટેડ બુકિંગ ઑફિસને હવે તમામ પ્લૅટફૉર્મને જોડતા બ્રિજ સાથે બનાવવામાં આવશે
મુસાફરોની સુવિધાઓમાં સુધારા કરવાના હેતુથી પશ્ચિમ રેલવે જે સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધુ રહે છે તે ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ, મહાલક્ષ્મી અને દાદર સ્ટેશન ફરી બાંધશે. આ કામ માર્ચ ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે.
દાદર સ્ટેશન પરના સંખ્યાબંધ નવા ઇન્ટર-લિન્ક્ડ ફુટઓવર બ્રિજમાંથી ઘણા બ્રિજ એકબીજા સાથે જોડાયેલા છે. પરિણામે સ્ટેશનની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો હતો. બીએમસી દાદર સ્ટેશનના ચર્ચગેટ તરફના છેડા પરના જૂના ફુટઓવર બ્રિજનું પણ પુનઃનિર્માણ કરશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
દક્ષિણના છેડે આવેલી ટિકિટ બુકિંગ ઑફિસને તોડી પાડ્યા બાદ નવા સ્ટેશન બિલ્ડિંગમાં આ ઑફિસો અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે જેના જનરલ અરેન્જમેન્ટ માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી હોવાનું પશ્ચિમ રેલવેના અધિકારીઓએ કહ્યું હતું.
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેમાં દાદર સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધુ રહે છે
મહાલક્ષ્મી સ્ટેશન પર જર્જરિત થયેલી ટિકિટ બુકિંગ ઑફિસ પણ ફરીથી બાંધવામાં આવશે. આ યોજનાના ભાગરૂપે સ્ટેશનનું નવું બિલ્ડિંગ પણ તૈયાર કરવામાં આવશે.
બીએમસી અને મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆરઆઇડીસી) અલગથી જૂના મહાલક્ષ્મી રોડ બ્રિજને જોડતો કેબલ-સ્ટેડ બ્રિજ સાથે ફરીથી બનાવી રહ્યા છે, જે માટે સામાન્ય ગોઠવણીનાં ડ્રૉઇંગ્સ હેડ ઑફિસની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ પર નવા પુલ અને સ્કાયવૉકની લિન્કથી ભીડની પૅટર્ન બદલાઈ ગઈ છે અને ટિકિટ બુકિંગ ઑફિસ સાથેનું નવું સ્ટેશન બિલ્ડિંગ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.
ચર્ની રોડ સ્ટેશન પર દક્ષિણના છેડે આવેલી એલિવેટેડ બુકિંગ ઑફિસ પુલના પુનઃનિર્માણ દરમ્યાન તોડી પાડવામાં આવી હતી જે હવે તમામ પ્લૅટફૉર્મને જોડતા પુલ અને સુધારેલા અને મોટા પરિભ્રમણ વિસ્તાર સાથે બનાવવામાં આવશે.
ચર્ની રોડ ખાતે જનરલ અરેન્જમેન્ટ ડ્રૉઇંગને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તથા એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી રહી છે.
પ્રોજેક્ટની કિંમત (રૂપિયા કરોડમાં)
દાદર સ્ટેશન ૩.૬૧
ચર્ની રોડ ૨.૫૧
મહાલક્ષ્મી રોડ ૩.૩૨
ગ્રાન્ટ રોડ ૩.૮૬