રેલવે દ્વારા રોજ સવારના એક કલાકનો બ્લૉક લેવાશે
ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેમાં દહાણુ અને વાણગાંવ વચ્ચે ફક્ત ગુડ્સ ટ્રેન માટેની લાઇન નાખવા સંદર્ભે પાંચ દિવસનો રોજ એક કલાક બ્લૉક લેવામાં આવ્યો છે અને એ ગઈ કાલથી ચાલુ થઈ ગયો છે. ૮, ૯, ૧૧, ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ સવારના આ બ્લૉક રાખવામાં આવ્યો છે. ૯, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ સવારના ૯.૪૫ વાગ્યા દરમિયાન આ બ્લૉક રહેશે, જ્યારે ૧૩ જાન્યુઆરીએ એ ૧૦.૨૦થી ૧૧.૨૦ વાગ્યા દરમિયાન રહેશે. આ બ્લૉકને કારણે એ સમયે ત્યાંથી પસાર થનારી ટ્રેનો મોડી પડશે અને એની અસર બાકીની ટ્રેનો પર પણ પડશે. એથી એ દિવસો દરમિયાન જો પ્રવાસ કરવાના હો તો મોડું થવાની આગોતરી તૈયારી રાખજો. એમાં પણ જો આગળ જઈને અન્ય ટ્રેન, બસ કે ફ્લાઇટના કનેક્શનમાં પ્રવાસ કરવાના હો તો તમારા ડેસ્ટિનેશન પર ટ્રેન ક્યારે પહોંચવાની છે એની આગોતરી જાણકારી મેળવી લેજો.
૯, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસને દહાણુ સ્ટેશન પર ૩૫ મિનિટ રોકવામાં આવશે. એ સિવાય અંધેરીથી દહાણુ માટે સવારના ૭.૫૧ વાગ્યે છૂટતી લોકલ વાણગાંવ પર જ ટર્મિનેટ કરી દેવાશે જે વળતી વખતે વાણગાંવથી ચર્ચગેટ જશે. ૯, ૧૧, ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ ચર્ચગેટથી સવારના ૭.૪૨ વાગ્યે છૂટતી દહાણુ લોકલને પણ વાણગાંવ ખાતે જ ટર્મિનેટ કરી દેવાશે. એ ટ્રેન પાછા ફરતી વખતે વાણગાંવથી વિરાર દોડશે. ૧૩ જાન્યુઆરીએ ટ્રેન-નંબર ૨૦૪૮૩ ભગત કી કોઠી - દાદર સુપરફાસ્ટ ટ્રેનને દહાણુ સ્ટેશન પર ૪૦ મિનિટ રોકવામાં આવશે. એ સિવાય ૧૩ જાન્યુઆરીએ ચર્ચગેટથી ૮.૪૯ વાગ્યે દહાણુ માટે છૂટતી લોકલને વાણગાંવ ખાતે ૨૦ મિનિટ રોકવામાં આવશે.