આમાંથી છ સર્વિસ ફાસ્ટ ટ્રેનની હશે
ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. વધુ ને વધુ પૅસેન્જરોને એક જ ટ્રેનમાં સમાવી શકાય એ માટે વેસ્ટર્ન રેલવેએ એની ૧૨ ડબ્બાની ૧૨ ટ્રેન હવે પંદર ડબ્બાની કરી છે. એ આવતી કાલે ૧૨ જાન્યુઆરીથી સર્વિસમાં જોડાઈ જશે અને બંને તરફ છ–છ સર્વિસ દોડાવાશે એમ વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે કહ્યું હતું. આમાંથી છ સર્વિસ ફાસ્ટ ટ્રેનની હશે. હાલ પંદર ડબ્બાની ૧૩૨ ટ્રેન છે, જેમાં હવે ૧૨ ટ્રેનનો વધારો કરાતાં એની સંખ્યા ૧૪૪ પર પહોંચી ગઈ છે. ૧૨ ડબ્બાની જગ્યાએ પંદર ડબ્બા કરાતાં દરેક ટ્રેનમાં ૨૫ ટકા વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે.
મુંબઈ મૅરથૉન માટે સ્પેશ્યલ ટ્રેન
રવિવાર, ૧૫ જાન્યુઆરીએ તાતા મુંબઈ મૅરથૉનમાં ભાગ લેનારા લોકોને સરળતા રહે એ માટે વેસ્ટર્ન રેલવે ૧૫ જાન્યુઆરી પરોઢિયે બે વધારાની સ્પેશ્યલ સ્લો લોકલ ટ્રેન વિરારથી ચર્ચગેટ અને ચર્ચગેટથી બાંદરા ચલાવશે. આ ઉપરાંત બોરીવલી-ચર્ચગેટ જે બોરીવલીથી ૩.૫૦ વાગ્યે ઊપડે છે એ પાંચ મિનિટ વહેલી એટલે કે ૩.૪૫ વાગ્યે ઊપડશે.