રેલવે સ્ટેશનો પર ઇમર્જન્સીમાં તાત્કાલિક મદદ મળે એ માટે શરૂ કરવામાં આવેલાં પણ રાતે બંધ રહેતાં ‘વન રૂપી ક્લિનિક’ પર વેસ્ટર્ન રેલવેએ કરી કાર્યવાહી: હવે સ્ટેશન માસ્ટર દરરોજ ક્લિનિક ચાલુ છે કે નહીં એનો રિપોર્ટ મેઇન્ટેન કરશે
‘વન રૂપી ક્લિનિક’ રાતે બંધ રહેતાં એની સામે દંડ વસૂવામાં આવ્યો છે
રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે અને ઇમર્જન્સીમાં તાત્કાલિક મદદ મળે એટલા માટે ‘વન રૂપી ક્લિનિક’ની શરૂઆત કરવામાં આવી હતી. જોકે એ બંધ રહેતાં હોવાથી વેસ્ટર્ન રેલવેએ રેલવે સ્ટેશનો પર બંધ પડેલાં ઇમર્જન્સી હેલ્થ ક્લિનિકો સામે કાર્યવાહી કરી હતી અને ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એ અનુસાર વેસ્ટર્ન રેલવેએ શનિવારે રાતે ભાઈંદર, મીરા રોડ, નાયગાંવ, નાલાસોપારા, વિરાર, કાંદિવલી અને મલાડ સ્ટેશનો પર બંધ આરોગ્ય કેન્દ્રો પર આ કાર્યવાહી કરી હતી.
રેલવે અકસ્માતમાં જખમી થયેલા પ્રવાસીની તબિયત અચાનક ખરાબ થાય તો તેને હૉસ્પિટલ સુધી લઈ જાય ત્યાં સુધીમાં પ્રવાસીની તબિયત વધુ ખરાબ થઈ જતી હોય છે અને અમુક વખત ક્ષણભર મોડું પહોંચાય તો એ જીવલેણ પણ થઈ જતું હોય છે. એથી આવી ઇમર્જન્સીની પરિસ્થિતિમાં જરૂરી તબીબી સેવાઓ આ કેન્દ્ર દ્વારા પૂરી પાડી શકાય છે. હાઈ કોર્ટે રેલવેને આ પ્રકારનું કેન્દ્ર શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ મુસાફરોને ઇમર્જન્સી તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે મુંબઈનાં વિવિધ સ્ટેશનો પર ‘વન રૂપી ક્લિનિક’ શરૂ કરવામાં આવ્યાં છે. જોકે કેટલાંક સ્ટેશનો પર આ સેવા રાતે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી બંધ કરી દેવામાં છે. એની ફરિયાદ સામાજિક કાર્યકતા સમીર ઝવેરીએ કરી હતી. એની નોંધ લઈને વેસ્ટર્ન રેલવેએ ઇમર્જન્સી હેલ્થ ક્લિનિકો પર કાર્યવાહી કરી છે. આ જ કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવતાં અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતાં આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે.
ADVERTISEMENT
મીરા રોડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરની ઑફિસે જણાવ્યું હતું કે ‘અમને ડિવિઝનલ ઑફિસ દ્વારા જાણ કરવામાં આવી છે કે આરોગ્ય કેન્દ્ર રાતે બંધ રહે છે કે નહીં એ જણાવો અને એનો દૈનિક અહેવાલ આપવામાં આવે. એ દરરોજ બરાબર ચાલે છે કે નહીં એની પણ જાણ કરવામાં આવે.’
આ વિશે ફરિયાદ કરનાર સામાજિક કાર્યકતા સમીર ઝવેરીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૩ વર્ષ પહેલાં હાઈ કોર્ટમાં મેં પિટિશન દાખલ કરી હતી ત્યારે રેલવે અકસ્માત પર નિયંત્રણ અને સ્ટેશન પર કોઈ ઇમર્જન્સી મેડિકલ સુવિધાનો સેટ-અપ ઊભો કરવો જેથી લોકોને તાત્કાલિક મેડિકલ મદદ મળી રહે અને તેમનો જીવ બચે. એથી ત્યારે કોર્ટે રેલવેને ઑર્ડર આપ્યો હતો કે સ્ટેશન પર મેડિકલ સર્વિસ શરૂ કરવામાં આવે. એથી ફૂડના સ્ટૉલની જેમ મેડિકલ કેન્દ્ર માટે પણ રેલવેએ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. એમાં સ્પષ્ટ લખાયેલું છે કે ૨૪ કલાક મેડિકલ સુવિધા ચાસુ રહેશે. એથી મેં વિવિધ સ્ટેશનો પર જઈને તપાસ કરતાં આઠ સ્ટેશનો પરનાં મેડિકલ કેન્દ્ર રાતે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી બંધ હોવાનું જણાઈ આવ્યું હતું. રાતના લોકો ઓછો હોવાથી તેમને ગ્રાહક ઓછા મળતાં કૉન્ટ્રૅક્ટ લેનાર એવું કરતો હશે. એથી મેં રેલવેમાં ફરિયાદ કરી અને આઠ સ્ટેશનો પર કૉન્ટ્રેક્ટ લેનાર પર ૪૦ હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો અને એની સાથે ૨૪ કલાક આ સુવિધા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મેં એમ પણ કહ્યું હતું કે વારંવાર હું જઈને તપાસ કરું એના કરતાં સ્ટેશન માસ્ટર જ જઈને તપાસ કરીને રિપોર્ટ કરે તો સારું. એથી રેલવેએ સ્ટેશન માસ્ટરને કેન્દ્ર પર જઈને ચેક કરીને રજિસ્ટરમાં માહિતી લખવાનો અને કન્ટ્રોલ રૂમમાં જાણ કરવાનો આદેશ આપ્યો છે.’