ખારથી ગોરેગામ સુધીની છઠ્ઠી લાઇન પર ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ-ટ્રાયલથી અધિકારીઓ ખુશ
ગોરેગામ અને ખાર વચ્ચે નવી છઠ્ઠી લાઇન શરૂ કરવામાં આવી છે
વેસ્ટર્ન રેલવેએ સોમવારે ખારથી ગોરેગામ સ્ટેશન સુધીના નવા રેલવે ટ્રૅકનું ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ટ્રાયલ સાથે ઉદ્ઘાટન કર્યું હતું. આ ૮.૮ કિલોમીટરના રેલવે ટ્રૅકના ઉમેરાને કારણે શહેરની ભીડ થોડી ઓછી થશે. ગોરેગામથી બોરીવલી સુધીના સેગમેન્ટને ૨૦૨૪ના જૂનમાં પૂરું કરવાનું લક્ષ્ય છે એવું રેલવે ઑથોરિટીએ વચન આપ્યું હતું.
વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘આ પ્રોજેક્ટથી ભીડ હળવી થશે. આ માટે આશરે ૬૦૭ રહેવાસીઓનું પુનર્વસન કરવામાં આવ્યું હતું અને ૧,૦૦૦ જેટલાં વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાતમી ઑક્ટોબર ૨૦૨૩ના રોજ શરૂ થયો હતો અને ૬ નવેમ્બરથી અટકાવાયેલી સર્વિસ શરૂ કરવામાં આવી. બાંદરા ટર્મિનસ યાર્ડને પાંચમી અને છઠ્ઠી લાઇન માટે સ્વતંત્ર કનેક્ટિવિટી હાલના ૭૦૦ મીટરના ટ્રૅકને તોડીને અને ડાયમન્ડ ક્રૉસિંગ સહિત પાંચ પૉઇન્ટને તોડી પાડીને પૂરી પાડવામાં આવી છે. આ કામમાં ખાનગી અને સરકારી બન્નેની જમીન સંપાદન કરવામાં આવી હતી. હાલના પ્રોજેક્ટને અવરોધતાં રેલવે સ્ટ્રક્ચર્સને તોડી પાડવામાં આવ્યાં હતાં, જેમાં ૧૯૨ નવા ફ્લૅટના નવા રેલવે ક્વૉર્ટર, છ નવી ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ (ઈઆઇ) બિલ્ડિંગ, બે નવાં ટ્રૅક્શન સબસ્ટેશન (ટીએસએસ) બિલ્ડિંગ અને ત્રણ બુકિંગ ઑફિસના કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે.’
ADVERTISEMENT
અંધેરી નજીક સ્પીડ કન્ટ્રોલને કારણે ટ્રેનોને થઈ અસર
નવા ટાઇમટેબલ સાથેના અઠવાડિયાના પહેલા દિવસે વેસ્ટર્ન રેલવેની સર્વિસને અસર થઈ હતી. મુસાફરોએ ટ્રેન મોડી આવવાની ફરિયાદ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અંધેરીમાં ૩૦ કિલોમીટર પ્રતિ કલાકના સ્પીડ કન્ટ્રોલને કારણે વિલંબ થયો હતો, જે આવનારા એક-બે દિવસમાં સામાન્ય થઈ જશે.