Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આપ કી અસુવિધા કે લિએ ખેદ નહીં હૈ

આપ કી અસુવિધા કે લિએ ખેદ નહીં હૈ

Published : 28 November, 2022 09:21 AM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

બાંદરા ટર્મિનસ પાસે કામ કરવાનું હોવાથી વેસ્ટર્ન રેલવેએ બહારગામની સંખ્યાબંધ ટ્રેનો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોરીવલીથી લઈને છેક વલસાડ સુધી શિફ્ટ કરી હોવાથી પ્રવાસીઓ છે પરેશાન

 કઈ ટ્રેનમાં શું ચેન્જિસ કરવામાં આવ્યા છે એ પ્રવાસીઓ  www.enquiry.indianrail.gov.in લિન્ક પર ચેક કરી શકશે

કઈ ટ્રેનમાં શું ચેન્જિસ કરવામાં આવ્યા છે એ પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in લિન્ક પર ચેક કરી શકશે


મુસાફરોને ઓછામાં ઓછી અગવડ પડે એ જોવાને બદલે રેલવેએ પ્રવાસીઓને કોઈ પણ સહાયતા કરવાનો કર્યો ઇનકાર 


જો તમે વેસ્ટર્ન લાઇનમાં લાંબા અંતરની ટ્રેનમાં બુ​કિંગ કરાવ્યું હોય અને એ ટ્રેન બાંદરા ટર્મિનસથી ઊપડવાની હોય તો ત્યાં પહોંચતાં પહેલાં રેલવેમાં ઇન્ક્વાયરી કરીને જજો, કારણ કે અત્યારે વેસ્ટર્ન રેલવેએ બાંદરા ટર્મિનસ પર પિટ લાઇનને ઢાંકવાનું કામ હાથમાં લીધું હોવાથી અનેક ટ્રેનો બાંદરાથી નથી ઊપડવાની કે બાંદરા સુધી નથી આવવાની. એ ટ્રેનો દાદર, બૉમ્બે સેન્ટ્રલ, બોરીવલી અને એથી આગળ વાપી અને વલસાડથી ઊપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે. મુંબઈથી લઈને વિરાર સુધીમાં તો લોકલ ટ્રેન અવેલેબલ હોવાથી લોકો થોડીઘણી હાડમારી સાથે ઍડ્જસ્ટ કરી શકશે. જોકે જે ટ્રેનો વાપી અને વલસાડથી ઊપડવાની છે એના પૅસેન્જરોની હાલત કફોડી થઈ રહી છે, કારણ કે રેલવેએ તેમને વાપી કે વલસાડ સુધી પહોંચવા કે ત્યાંથી આવવા કોઈ જ વૈકલ્પિક સુવિધા નથી આપી. એ લોકો કઈ રીતે ટ્રાવેલ કરશે? બીજી ટ્રેનમાં એ જ ટિકિટ પર પ્રવાસ કરી શકશે? જેવા સવાલો ઊભા થયા છે, પણ વેસ્ટર્ન રેલવેએ તો જાણે પ્રવાસીઓની કંઈ પડી ન હોય એ રીતે હાથ ઊંચા કરી દીધા છે. ન તો એ ટ્રાવેલિંગની વ્યવસ્થા કરી આપવા પ્રવાસીઓને રીફંડ આપવા, જે-તે સ્ટેશનેથી ટ્રેન ઊપડવાની કે આવવાની છે ત્યાંથી તેમનું જ્યાં સુધીનું બુકિંગ છે (દા.ત. બોરીવલી) ત્યાં સુધી જે પૈસા ભરીને ટિકિટ કરાવી છે એના પર પણ ટ્રાવેલ કરવાની છૂટ નથી આપી રહી. એનું કહેવું છે કે જો તમારી ટ્રેન વલસાડથી શરૂ થઈને ત્યાં જ પૂરી થવાની હોય તો ત્યાંથી બોરીવલી કે બીજા કોઈ પણ સ્ટેશન સુધી તમારે નવી ટિકિટ લઈને ટ્રાવેલ કરવું પડશે. પ્રોપર પ્લાનિંગ કે પ્રવાસીઓના વિચાર આડેધડ કામ શરૂ કરી દેનાર વેસ્ટર્ન રેલવે તરફથી પ્રવાસીઓને સંતોષકારક જવાબ પણ આપવામાં નથી આવી રહ્યો.



વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા ટર્મિનસ પર પિટ લાઇનને ઢાંકવાનું કામ ચાલુ કરાયું છે. પિટ લાઇન એટલે ટ્રૅકને પૅરૅલલ બનાવાયેલો ખાડો, જેમાં ઊભાં રહી ટ્રેનનું મેઇન્ટેનન્સ અને સફાઈ કરી શકાય છે. આ કામને કારણે બાંદરા ટર્મિનસથી ઊપડતી અથવા ત્યાં ટર્મિનેટ થતી ઘણીબધી ટ્રેનોના ટાઇમમાં ફેરફાર કરાયા છે અને એ ટ્રેનો અન્ય સ્ટેશનો પર ડાયવર્ટ કરાઈ છે. એ ટ્રેનો જ્યાં સુધી આગળની સૂચનાઓ નહીં મળે ત્યાં સુધી હંગામી ધોરણે બીજા સ્ટેશન પરથી છૂટશે અથવા આવશે. વેસ્ટર્ન રેલવેએ આ બદલ એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે. નવાઈની વાત એ છે કે એમાં ક્યાં સુધી આ કામ ચાલુ રહેવાનું છે અને પ્રવાસીઓએ હેરાન થવાનું છે એની સ્પષ્ટતા કરવાને બદલે લખ્યું છે કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આવી રીતે જ રેલવેનો કારભાર ચાલતો રહેશે.
હવે જો કો​ઈએ ૦૯૦૬૭ બાંદરા ટર્મિનસ-ઉદયપુર સિટી ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હોય અને બોરીવલીથી બોર્ડિંગ હોય તો તેણે એ ટ્રેન પકડવા છેક વલસાડ સુધી જવું પડશે. પાછા વળતી વખતે પણ એ ટ્રેન વલસાડમાં જ ટર્મિનેટ થઈ જતી હોવાથી ત્યાં જ ઊતરી જવું પડશે. 


કાંદિવલીમાં રહેતા નિર્મલ શાહે વેસ્ટર્ન રેલવેની આ હેરાનગતિનો અનુભવ કરી લીધો છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાત્રે રાજસ્થાનના માવલીથી બોરીવલી આવવા અમે ૦૯૦૬૭ નંબરની ટ્રેન પકડી હતી. સ્ટેશન આવીને અમને ખબર પડી કે ટ્રેન વલસાડ સુધી જ જવાની છે. વલસાડનો એનો ટાઇમ બીજા દિવસે સવારે સાડા દસ વાગ્યાનો હતો. અમારી સાથે સિનિયર સિટિઝન પણ હોવાથી તેઓ બોરીવલી સુધી કઈ રીતે જવું એને લઈને ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, અમારી ટ્રેન સવારે સવા દસ વાગ્યાની આસપાસ વલસાડ સ્ટેશન નજીક આવી ગઈ હોવાથી બોરીવલી પહોંચવા માટે અમે અગિયાર વાગ્યે વલસાડ આવતી સયાજી નગરી ટ્રેનમાં બધાનું તત્કાલ ટિકિટ લઈને બુકિંગ કરાવી લીધું, પણ અમારી ટ્રેન વલસાડ સ્ટેશનની બહાર સાઇડિંગમાં જ રાખી હોવાથી સયાજી નગરી ટ્રેન વલસાડથી નીકળી ગઈ. અમારા પૈસા પડી ગયા અને છેવટે અમે પશ્ચિમ એક્સપ્રેસમાં જેમ-તેમ કરીને બોરીવલી સુધી આવ્યા. માવલી કે વલસાડ સ્ટેશને રેલવે તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવા પણ તૈયાર નહોતું. આવી હેરાનગતિ ક્યાં સુધી થશે એ પણ રેલવેવાળા કહેવા તૈયાર નથી. રેલવે મિનિસ્ટરે મધ્યસ્થી કરીને આવી મનમાની અટકાવવી જોઈએ.’

વેસ્ટર્ન રેલવેનાં પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્મિતા રોઝારિયોને આ બાબતે ‘મિડ-ડે’એ પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે ‘જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે એના ડેસ્ટિનેશન સુધી પૅસેન્જરોએ પોતે જ જવું પડશે. રેલવે દ્વારા કોઈ વ્યવસ્થા કરાઈ નથી. એ લોકોએ જો બીજી ટ્રેનમાં બેસીને ત્યાં પહોંચવું હોય તો તેમણે એ ટ્રેનની એટલા પ્રવાસની ટિકિટ અલગથી કઢાવવી પડશે. મૂળ ટ્રેનની ટિકિટ પર અન્ય ટ્રેનમાં પ્રવાસ નહીં કરી શકાય. આવા પૅસેન્જરોને રીફંડ આપવાની કોઈ જોગવાઈ નથી.’


આમ એ ટ્રેનોના પૅસેન્જરોએ વધુ હાડમારી પણ ભોગવવાની છે અને આર્થિક નુકસાન પણ ઉઠાવવાનું છે. 

કઈ ટ્રેન ક્યાંથી ઊપડશે/પૂરી થશે સમય
૧૨૯૨૫- પશ્ચિમ એક્સપ્રેસ - બૉમ્બે સેન્ટ્રલ – ૧૧.૨૫ વાગ્યે ઊપડશે
૧૨૯૨૬ - પશ્ચિમ એક્સપ્રેસ- બૉમ્બે સેન્ટ્રલ – ૧૪.૫૫ વાગ્યે આવશે
૧૯૦૧૫ - સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – દાદર – ૯.૩૦ વાગ્યે ઊપડશે
૧૯૦૧૬ - સૌરાષ્ટ્ર એક્સપ્રેસ - દાદર – ૧૯.૦૫ વાગ્યે આવશે
૧૯૪૨૫ – મુંબઈ સેન્ટ્રલ – નંદુરબાર એક્સપ્રેસ - બોરીવલી- ૨૩.૦૦ વાગ્યે ઊપડશે
૧૯૪૨૬ – મુંબઈ સેન્ટ્રલ – નંદુરબાર એક્સપ્રેસ – બોરીવલી - ૨૩.૫૭ વાગ્યે આવશે
૧૯૦૦૪ ખાનદેશ એક્સપ્રેસ – બોરીવલી - ૦૩.૪૦ વાગ્યે આવશે.
૦૯૦૦૫ બાંદરા ટર્મિનસ – ઇજ્જતનગર સ્પેશ્યલ – વાપી- ૧૨.૧૫ વાગ્યે ઊપડશે
૦૯૦૦૬ બોરીવલી- ઇજ્જતનગર સ્પેશ્યલ – વાપી - ૦૧.૩૦ વાગ્યે આવશે. 
૦૯૦૬૭ બાંદરા ટર્મિનસ - ઉદયપુર સિટી સ્પેશ્યલ – વલસાડ – ૦૨.૦૦ વાગ્યે ઊપડશે 
૦૯૦૬૮ ઉદયપુર સિટી- બાંદરા ટર્મિનસ સ્પેશયલ - વલસાડ- ૧૦.૩૫ વાગ્યે આવશે
૦૯૦૦૭ બાંદરા ટર્મિનસ - ભિવાની સ્પેશ્યલ - વલસાડ- ૧૩.૫૦ વાગ્યે ઊપડશે.
૦૯૦૦૮ ભિવાની – બોરીવલી સ્પેશ્યલ - વલસાડ- ૧૨.૦૦ વાગ્યે આવશે. 

કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર 
૧૨૯૯૬ અજમેર - બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ, ૨૨૯૨૨ ગોરખપુર - બાંદરા અયોધ્યા એક્સપ્રેસ, ૧૨૯૬૧ મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર અવંતિકા એક્સપ્રેસ, ૨૨૯૩૪ જયપુર - બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ, ૨૨૯૨૭ બાંદરા – અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ, ૨૦૯૦૮ ભૂજ દાદર એક્સપ્રેસ, ૦૯૧૫૪ વલસાડ – ઉમરગામ મેમુ. 

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 09:21 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK