આ કૅમેરા શૉકપ્રૂફ છે અને ટ્રૅક્શન ટેક્નૉલૉજી પર આધારિત છે
પ્રતીકાત્મક તસવીર
રેલવે અકસ્માત વખતે મહત્ત્વના પુરાવા મળી શકે એ માટે વેસ્ટર્ન રેલવેએ ૨૨૪ ઇલેક્ટ્રિક મોટર યુનિટ (EMU)માંથી ૬૧ EMU પર ટૂ મેગાપિક્સેલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવાની શરૂઆત કરી દીધી છે. આ કૅમેરા શૉકપ્રૂફ છે અને ટ્રૅક્શન ટેક્નૉલૉજી પર આધારિત છે. એ ૮૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપથી દોડતી ટ્રેનના વાઇબ્રેશન અને શૉકને ખમી શકે એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.
92,000- એક કૅમેરાની કિંમત આટલા રૂપિયા છે
ADVERTISEMENT
આ કૅમેરા ટ્રેનની આગળ લગાવવામાં આવ્યા હોવાથી અકસ્માત, સુસાઇડ અને પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતની વિગતો રેકૉર્ડ થશે. એમાંથી લાઇવ ફીડ નહીં મળે, પણ ઘટનાઓ રેકૉર્ડ થશે. વૉઇસ રેકૉર્ડિંગ અને ઇમેજ થોડા સમય માટે સંગ્રહિત કરી શકાશે, જેથી કોઈ કેસની તપાસમાં એનો ઉપયોગ કરી શકાશે. ૨૦૨૪માં બાવીસ જાન્યુઆરીએ વસઈ અને નાયગાંવ વચ્ચે સિગ્નલ ફેલ્યર વખતે કામ કરવા ગયેલા ત્રણ રેલવે કર્મચારીઓનાં ટ્રેનની ટક્કરથી મૃત્યુ થયાં હતાં. એ સમયે ત્રણ સભ્યોની સ્પેશ્યલ કમિટી તૈયાર કરવામાં આવી હતી. આ કમિટીએ સુરક્ષા માટે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી અને એના આધારે આ કૅમેરા લગાવવામાં આવ્યા છે.