લોકલ ટ્રેનમાં ટિકિટ વગર ટ્રાવેલ કરનારા ૨૮,૫૦૦ પ્રવાસીઓ પાસેથી ૯૪ લાખ રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ રેલવેએ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરીને ૬૮.૪૫ કરોડ રૂપિયા કરતાં વધુના દંડની વસૂલાત કરી હતી, જેમાં મુંબઈ વિભાગમાંથી ૨૨.૭૭ કરોડ રૂપિયાના દંડનો સમાવેશ છે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યા મુજબ એકલા સપ્ટેમ્બર મહિનામાં ટિકિટ લીધા વગર પ્રવાસ કરનારા અને બુકિંગ કર્યા વગર લગેજ મોકલનારા ૧.૩૮ લાખ લોકો પાસેથી ૬.૧૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એમાંથી સબર્બન સેક્શનમાંથી ૨.૬૯ કરોડ રૂપિયાનો ફાઇન જમા કરવામાં આવ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ઍર-કન્ડિશનર લોકલ ટ્રેનમાં ટિકિટ વગર ટ્રાવેલ કરનારા ૨૮,૫૦૦ પ્રવાસીઓ પાસેથી ૯૪ લાખ રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે.