વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૩) ૧૦ માર્ચે બાંદરા ટર્મિનસથી સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થશે
પ્રતીકાત્મક તસવીર
ફાગણ સુદ તેરસના દિવસે એટલે કે ૧૨ માર્ચે પાલિતાણામાં છ ગાઉની યાત્રા માટે મુંબઈથી મોટી સંખ્યામાં જૈનો જતા હોવાથી વેસ્ટર્ન રેલવેએ બાંદરા ટર્મિનસથી પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૩) ૧૦ માર્ચે બાંદરા ટર્મિનસથી સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારના ૬.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આવી જ રીતે પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૪) પાલિતાણાથી ૧૨ માર્ચે સાંજના ૫.૩૦ વાગ્યે રવાના થઈને બીજા દિવસે સવારના ૭.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. AC 3 ટિયર અને AC ચૅરકાર સાથેની આ સ્પેશ્યલ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, ઉધના, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા અને સિહોર રેલવે-સ્ટેશનોએ ઊભી રહેશે. આ ટ્રેનનું બુકિંગ આજથી કરી શકાશે. વધુ માહિતી www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.

