કોરોનાની કાળોતરી કંકોતરી વાઇરલ થઈ
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી કોરોનાની કંકોતરી.
શૈલેષ નાયક
અમદાવાદ : ‘ચીનની અસીમ કૃપાથી કપાતર કોરોનાનાં અશુભ લગ્ન ચિ. ખાંસી સાથે.’ કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં કોરોનાની કાળોતરી કંકોતરી વાઇરલ થઈ છે. આ કંકોતરી લૉકડાઉનના સમયમાં સોશ્યલ મીડિયામાં રમૂજ કરાવી રહી છે, એટલું જ નહીં, આ કાળોતરી કંકોતરીમાં નાગરિકોને લૉકડાઉનનું પાલન કરવાનો મેસેજ પણ મોઘમમાં અપાયો છે. આ કાળોતરી કંકોતરી વાંચીને ઘરે બેઠેલા નાગરિકો આનંદ ઉઠાવીને હળવા બની રહ્યા છે.
લૉકડાઉનમાં ઘરે રહીને કપાતર કોરોનાનાં લગ્ન કરાવવામાં આવી રહ્યાં છે અને ગુજરાતીઓ સહિતના નાગરિકો એનો આનંદ લઈ રહ્યા છે ત્યારે આ કપાતર કંકોતરીની ઉલ્લેખનીય વાત એ છે કે હળવાશમાં લખાયેલી આ કંકોતરીમાં લૉકડાઉનનું પાલન, લૉકડાઉનમાં ઘરે રહેવાની શીખ, મોઢે માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો મેસેજ પણ હળવાશથી રમૂજમાં આપ્યો છે જેથી સમજુ નાગરિકોને આ મેસેજ શીરાની જેમ ગળે ઊતરી જાય.
છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી આ કાળોતરી કંકોતરીમાં લખ્યું છે કે ‘સ્નેહીશ્રી દેશવાસીઓ, ચીનની અસીમ કૃપાથી અમારાં શરદીબહેન તથા તાવભાઈના કપાતર સુપુત્ર ચિ. કોરોનાનાં અશુભ લગ્ન ચિ. ખાંસી, છીંકબહેન કફભાઈ કાળોતરાની સુપુત્રી સાથે તા. ૨૪-૦૪-૨૦૨૦ના રોજ નિર્ધારેલ છે, તો આ અશુભ લગ્નમાં પધારતા નહીં.’
કંકોતરીમાં લખ્યું છે કે ‘ભવ્ય રાસ–ગરબા મોઢા પર માસ્ક બાંધીને, સૅનિટાઇઝ થઈ, બે ફુટના અંતરે પોતાની મસ્તીમાં રમી શકો છો પોતપોતાના ઘરે. પછી ટહુકો કરતાં લખ્યું છે - બુલાતા હૂં મગર આને કા નઈ.’
પાછી આ કંકોતરીમાં ખાસ નોંધ લખવામાં આવી છે કે આપના આગમનની રાહ જોતા હૈયાહરખથી ખાસ મોર બોલાવાની (ડંડા પડવાની) વિધિ પોલીસ-કર્મચારીઓ દ્વારા રાખવામાં આવી છે.