જોકે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ જતાં વાતાવરણ સુધરશે
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. ઉપરોક્ત તસવીર કાંદિવલી-ઈસ્ટના ગોકુલ વિલેજમાંથી લેવામાં આવી છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં શિયાળાની ઠંડી વચ્ચે ગઈ કાલે પણ મુંબઈગરાને જબરદસ્ત ધુમ્મસ જોવા મળ્યું હતું અને એને કારણે વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ ગઈ હતી. બોરીવલી, કાંદિવલી, પવઈ જેવા વિસ્તારો ઉપરાંત બાંદરા અને દાદરમાં પણ મોડી સાંજ સુધી વત્તા-ઓછા પ્રમાણમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું.
ધુમ્મસનું કારણ આપતાં હવામાન ખાતાનાં ડિરેક્ટર ડૉ. સુષ્મા નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યો છે જેના કારણે હવાની ઝડપ ઓછી છે અને હવામાં ભેજ છે. એથી જે ધૂળની રજકણો હવામાં ઊડતી હોય છે એ ઝડપથી દૂર જતી નથી અને એ જમીનથી ઉપર પણ બહુ જતી નથી માટે આ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જોકે હવે આજથી એની અસર ઓછી થતી જશે અને વાતાવરણ સાફ થતું જશે.’