શિવસેનાના યુવા ગટ નેતા રાહુલ કનાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘દમ હોય તો સામે આવીને ચર્ચા કર`
કુણાલ કામરા
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેની પૅરોડીના નામે કુણાલ કામરાએ બદનામી કર્યા બાદ ખારના હૅબિટૅટ સ્ટુડિયોમાં શિવસેનાના યુવા ગટ નેતા રાહુલ કનાલ અને કાર્યકરોએ તોડફોડ કરી હતી. કુણાલ કામરાએ પૅરોડી બદલ માફી માગવાની ના પાડી છે, ઊલટું ગઈ કાલે સ્ટુડિયોની તોડફોડ કરનારા શિવસૈનિકોને પડકારીને નવો વિડિયો પોસ્ટ કર્યો હતો. આથી શિવસેનાએ હવે કુણાલ કામરા સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
શિવસેનાના યુવા ગટ નેતા રાહુલ કનાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘દમ હોય તો સામે આવીને ચર્ચા કર. તું કહે એ જગ્યા અને એ દિવસે અમે આવીશું. મુંબઈ જ નહીં, આખા મહારાષ્ટ્રમાં કુણાલ કામરાના કૉમેડી શો નહીં થવા દઈએ. અમે હૅબિટૅટ સ્ટુડિયોના માલિકને ફોન કર્યો હતો. તેણે પોતાને કંઈ ખબર ન હોવાનું કહીને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો એથી અમે તોડફોડ કરી હતી. એકનાથ શિંદે લોકનેતા છે. તેમના વિશે કોઈ જેમતેમ બોલે એ જરાય ચલાવી નહીં લેવાય. કુણાલ કામરાના શોનું કોઈ આયોજન નહીં કરતા. અમારી વાત નહીં સાંભળે તેને શિવસેના-સ્ટાઇલમાં જવાબ આપવામાં આવશે.’

