લોકસભાની ચૂંટણી બાદ પહેલી વાર મુંબઈ આવેલા વડા પ્રધાને કહ્યું...
ગઈ કાલે ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ફેંટો પહેરાવીને સન્માન કર્યું હતું. મંચ પર તેમની સાથે ગવર્નર રમેશ બૈંસ, કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલ, રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમ જ રામદાસ આઠવલે હાજર રહ્યા હતા. (તસવીર - અતુલ કાંબળે)
તેમણે કહ્યું કે NDAની સરકારમાં ૮ કરોડ લોકોને રોજગાર મળ્યો છે એટલે વિરોધીઓની આ સંબંધની ટીકાની પોલ ખૂલી ગઈ
લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવીને ત્રીજી વખત વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદી ગઈ કાલે પહેલી વખત મુંબઈ આવ્યા હતા. તેમણે ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મુંબઈ અને આસપાસના પ્રોજેક્ટનાં ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા બાદ સંબોધન કર્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટથી મુંબઈ અને આસપાસના પરિસરની કનેક્ટિવિટીમાં સુધારો થશે. ત્રીજી ટર્મમાં નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકાર ત્રણ ગણા વેગથી કામ કરશે એમ મેં કહ્યું હતું. આજે આવા કામની શરૂઆત થઈ રહી છે એ આપણી નજર સામે છે. મહારાષ્ટ્ર પાસે ગૌરવશાળી ઇતિહાસ છે, રાજ્ય પાસે સશક્ત વર્તમાન અને સમુદ્ધ ભવિષ્યનું સપનું છે. વિકસિત ભારતના નિર્માણમાં મોટું યોગદાન આપનારું રાજ્ય છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં ઇન્ડસ્ટ્રીનો પાવર છે તેમ જ કૃષિનો પાવર અને આર્થિક સેક્ટરની તાકાત છે. આ તાકતને લીધે જ મુંબઈ દેશનું ફાઇનૅન્શિયલ હબ બન્યું છે. હવે મહારાષ્ટ્રને દુનિયાનું સૌથી મોટું આર્થિક પાવરહાઉસ બનાવવાનું મારું લક્ષ્ય છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ૨૩ મિનિટના ભાષણમાં મુંબઈ અને મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આગળ કહ્યું હતું કે ‘મારું ધ્યેય મુંબઈને વિશ્વની થિન્ક ટેન્ક કૅપિટલ બનાવવાનો છે. ટૂરિઝમમાં મહારાષ્ટ્રને ભારતનું નંબર-વન રાજ્ય બનાવવાનું છે. છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યના સાક્ષીના કિલ્લા છે. અહીં સહ્યાદ્રિ પર્વતની હારમાળા છે. કોકણમાં લાંબો સમુદ્રકિનારો છે. અહીં કૉન્ફરન્સ અને મેડિકલ ટૂરિઝમની શક્યતા છે. ભારતના વિકાસની નવી ગાથા લખવાનું કામ મહારાષ્ટ્ર કરી રહ્યું છે.’
કૉન્ગ્રેસ સહિતના વિરોધી પક્ષો રોજગાર બાબતે સરકારની ટીકા કરે છે એ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતીય રિઝર્વ બૅન્કે તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ૮ કરોડ રોજગાર ઊભા થયા છે. વિરોધીઓ રોજગાર બાબતે ખોટા નેરેટિવ સેટ કરે છે. રોજગારના આંકડાથી તેમની બોલતી બંધ થઈ ગઈ છે. આ લોકો દેશમાં આવી રહેલા રોકાણના દુશ્મન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-નિર્માણના દુશ્મન છે, ભારતના વિકાસના દુશ્મન છે. આ લોકોની નીતિ યુવાનોનો વિશ્વાસઘાત અને રોજગાર રોકવાની છે. તેમની પોલ ખૂલી રહી છે. દેશભરમાં પૂલ બની રહ્યા છે, રેલવેનાં કામ થઈ રહ્યાં છે તો કોઈકને રોજગાર મળી જ રહ્યો છે. ભવિષ્યમાં લોકોને વધુ તક મળશે.’
આ છે વડા પ્રધાને લોકાર્પણ કરેલા પ્રોજેક્ટ્સની માહિતી
૨૯,૪૦૦- વડા પ્રધાને કુલ આટલા કરોડ રૂપિયાના પ્રોજેક્ટનાં ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યાં હતાં.
૧૬,૬૦૦- સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચેથી બોરીવલીથી થાણેના ઘોડબંદર રોડ સુધીની આટલા કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારી ટનલના કામનું ભૂમિપૂજન કર્યું. આ ટનલ બની ગયા બાદ બોરીવલીથી થાણે એક કલાકને બદલે માત્ર ૧૨ મિનિટમાં પહોંચી શકાશે.
૬૩૦૦- ગોરેગામથી મુલુંડ વચ્ચેના લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચે આટલા કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારી ટ્વિન ટનલના કામનું ભૂમિપૂજન કર્યું. આ ટનલ તૈયાર થઈ ગયા બાદ ગોરેગામથી મુલુંડ ૭૫ મિનિટને બદલે માત્ર ૨૯ મિનિટમાં પહોંચી શકાશે.
૫૫૪૦- આટલા કરોડ રૂપિયાની ‘મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષિણ યોજના’ લૉન્ચ કરી. મહારાષ્ટ્રના યુવાનોને રોજગાર આપવા માટેની આ યોજનામાં ૧૮થી ૩૫ વર્ષના ૧૦ લાખ યુવાઓને ઇન્ટર્નશિપ પેટે ૬૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
૮૧૩- આટલા કરોડ રૂપિયાના ખર્ચના કલ્યાણ યાર્ડ રીમૉડલિંગ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટથી લોકલ ટ્રેનની સાથે બહારગામની ટ્રેનોની સુવિધામાં વધારો થશે.
૬૪- આટલા કરોડ રૂપિયાના ખર્ચે લોકમાન્ય ટિળક ટર્મિનસ પર નવા બાંધવામાં આવેલા પ્લૅટફૉર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું. આથી હવે અહીંથી બહારગામની ૨૪ કોચની ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
૫૨- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં આટલા કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ અને ૧૧ નંબરના પ્લૅટફૉર્મની લંબાઈ વધારવામાં આવી છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આથી બહારગામની ૨૪ કોચની ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
૨૭- આટલા કરોડ રૂપિયાના ખર્ચે તુર્ભેમાં ગતિ શક્તિ મલ્ટિ-મૉડલ કાર્ગો ટર્મિનલનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થવાની સાથે રોજગારમાં વધારો થશે.