દિશા સાલિયનના મૃત્યુ-મામલામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલાં વિધાનસભાના સત્રમાં એસઆઇટી દ્વારા તપાસ કરવાની જાહેરાત કરી હતી
દિશા સાલિયન
મુંબઈ : બૉલીવુડના સદ્ગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ-પ્રકરણમાં સીબીઆઇએ ક્લીન ચિટ આપી હોવાના સમાચાર વાઇરલ થઈ રહ્યા છે ત્યારે સીબીઆઇએ ગઈ કાલે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે આ કેસની તપાસ ક્યારેય સીબીઆઇને સોંપવામાં નહોતી આવી. આથી આ પ્રકરણમાં સીબીઆઇ કેવી રીતે કોઈ નિષ્કર્ષ આપી શકે?
સીબીઆઇએ ગઈ કાલે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે દિશા સાલિયન મૃત્યુ-મામલાની તપાસ ક્યારેય સીબીઆઇને સોંપવામાં જ નહોતી આવી. આથી સીબીઆઇએ કંઈ તપાસ નથી કરી. એટલે દિશા સાલિયન મૃત્યુ-પ્રકરણમાં સીબીઆઇનો નિષ્કર્ષ નામથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી માહિતી ખોટી છે.
દિશા સાલિયનના મૃત્યુ-મામલામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલાં વિધાનસભાના સત્રમાં એસઆઇટી દ્વારા તપાસ કરવાની જાહેરાત કરી હતી. દિશા સાલિયનનું મૃત્યુ ઇમારત પરથી પડી જવાને લીધે થયું હોવાનો નિષ્કર્ષ સીબીઆઇએ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની કરેલી તપાસમાં જાહેર કર્યો હતો. સીબીઆઇ પાસે દિશા સાલિયન કેસની કોઈ તપાસ સોંપવામાં નહોતી આવી.