કંગના રનૌતની ફિલ્મ ઇમર્જન્સીની કટોકટી ન ટળી, બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...
બૉલીવુડની અભિનેત્રી અને ફિલ્મનિર્માતા કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’
બૉલીવુડની અભિનેત્રી અને ફિલ્મનિર્માતા કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ રજૂ કરવા સંબંધે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે કોઈ રાહત નહોતી આપી. આથી આ ફિલ્મ હવે ૬ સપ્ટેમ્બરે રિલીઝ નહીં થઈ શકે. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ બી. પી. કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદોસ પૂનીવાલાની ખંડપીઠે કહ્યું હતું કે અમે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડને ફિલ્મના નિર્માતાને સર્ટિફિકેટ આપવાનું ન કહી શકીએ, આમ કરીએ તો મધ્ય પ્રદેશની હાઈ કોર્ટે અગાઉ આ સંબંધે આપેલા આદેશનું ખંડન થશે. આટલું કહ્યા બાદ કોર્ટે સેન્સર બોર્ડને ફિલ્મમાં કંઈ વાંધાજનક હોય તો એના પર વિચાર કરીને ફિલ્મને ૧૮ સપ્ટેમ્બર સુધીમાં સર્ટિફિકેટ આપવાનું કહ્યું હતું. આ અરજીની આગામી સુનાવણી ૧૯ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. જોકે બૉમ્બે હાઈ કોર્ટના આ આદેશ બાદ કંગનાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે હાઈ કોર્ટે ‘ઇમર્જન્સી’ના સર્ટિફિકેટને ગેરકાયદે રોકવા બદલ સેન્સર બોર્ડને ફટકાર લગાવી છે.
ઉલ્લેખનીય છે કે ‘ઇમર્જન્સી’ ફિલ્મ કંગના રનૌતની મણિકર્ણિકા ફિલ્મ્સ અને ઝી સ્ટુડિયોએ મળીને બનાવી છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે સેન્સર બોર્ડે હજી સુધી ફિલ્મને રજૂ કરવાનું સર્ટિફિકેટ નથી આપ્યું એટલે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે બૉમ્બે હાઈ કોર્ટમાં આ સંબંધે અરજી દાખલ કરી હતી, જેમાં સેન્સર બોર્ડને ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે જેથી ફિલ્મરિલીઝ કરવાનો રસ્તો સાફ થઈ શકે. જોકે બૉમ્બે હાઈ કોર્ટે આ સંબંધે કોઈ નિર્દેશ નથી કર્યો એટલે હવે ફિલ્મ નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.