બાંદરામાં પાણી લીકેજને લીધે રિપેરિંગ હાથ ધરાતાં ઓછા દબાણે પાણી આવશે, અંધેરીના પાણી લીકેજને દૂર કરાયું
બાંદરા ખાતે પાણી લીકેજને રિપેરિંગ કરીને દૂર કરાયું, પણ પાણી ઓછા દબાણે લોકોને મળશે
મુંબઈ મેટ્રોના નિર્માણ દરમ્યાન ડ્રિલિંગ કરતી વખતે અંધેરી-ઈસ્ટમાં પાઇપલાઇનને નુકસાન થતાં રિપેરિંગ હાથ ધરાયું હતું, જેના કારણે અનેક પરાંઓમાં પાણીના ધાંધિયા થયા હોવાથી લોકોની કફોડી હાલત થઈ હતી. જોકે અંધેરી બાદ દહિસર-ઈસ્ટમાં પણ અદાણીના કેબલ વાયરિંગનું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં પાઇપલાઇનને નુકસાન થતાં લાખો લિટર પાણી રસ્તા પર વેડફાયું હતું. પાણીની પાઇપલાઇનના નુકસાનને કારણે લોકોએ પાણીકાપનો સામનો કરવો પડ્યો હતો અને હજી પણ અનેક ભાગમાં પાણી ઓછા દબાણે આવતું હોવાનું જણાય છે. રહેવાસીઓ પાણીકાપનો સામનો કરી રહ્યા છે ત્યારે બાંદરામાં ગઈ કાલે પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું, જેના કારણે સેંકડો લિટર પાણી વેડફાયું હતું તેમ જ ગુરુવારે અંધેરીમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં રિપેરિંગ હાથ ધરાયું હતું. જોકે લીકેજના કારણે અનેક ભાગમાં ઓછા દબાણમાં પાણી આવી રહ્યું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બાંદરા-વેસ્ટમાં બાલગંધર્વ રંગમંદિર પાસે ભૂગર્ભ પાણીની પાઇપલાઇનમાં લીકેજથી અનેક વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થઈ છે. ગઈ કાલે બીએમસી દ્વારા લીકેજનું સમારકામ કરાયું હતું, પરંતુ એના કારણે બાંદરાના અમુક ભાગો અને ખારના અમુક વિસ્તારમાં પાણીની અછત સર્જાશે. સમારકામની કામગીરી દરમ્યાન ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યાથી રાતે નવ સુધી ખાર દાંડા કોલીવાડા, ચુઇમ ગામનો પાણીપુરવઠો પ્રભાવિત રહ્યો હતો તેમ જ ડૉ. આંબેડકર રોડ અને ખાર-વેસ્ટના વિસ્તારમાં પાણીપુરવઠો પ્રભાવિત રહ્યો હતો.
ADVERTISEMENT
અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં પણ છેલ્લા ૧૦ દિવસથી બીએમસીના પાણીનું લીકેજ થઈ રહ્યું હતું. એમએનએસના વર્સોવા વિધાનસભા વિભાગના પ્રમુખ સંદેશ દેસાઈએ મહાનગરપાલિકાના પાણી વિભાગના એન્જિનિયરને લીકેજથી દરરોજ લાખો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ તેઓ સ્ટાફ ઉપલબ્ધ થશે ત્યારે લાઇનનું રિપેરિંગ કરાવીશું એવા જવાબો આપી રહ્યા છે. આ પાણીના લીકેજને રોકવામાં આવે અને આવા જવાબ આપનારા અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા પશ્ચિમ વિભાગના કાર્યાલય ખાતે ભવ્ય મોરચો કાઢવામાં આવશે, એવી ચીમકી આપી હોવાથી રિપેરિંગ હાથ ધરાયું હતું.