મુંબઈ બીએમસીએ આ વર્ષે પાણીના દરમાં ૭.૧૨ ટકાનો વધારો ઝીંક્યો : આ વર્ષના જૂન મહિનાથી નવો દર લાગુ થશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓએ પાણી માટે વધુ રૂપિયા ખર્ચવા પડે એવા સમાચાર છે. મુંબઈ બીએમસીએ આ વર્ષે પાણીના દરમાં ૭.૧૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે આ વર્ષના જૂન મહિનાથી લાગુ કરવામાં આવશે. કારોના મહામારીને લીધે બે વર્ષ પાણીના ભાવમાં વધારો નહોતો કરાયો. હવે જ્યારે કોરોના મહામારી પૂરી થઈ ગઈ છે એટલે બીએમસીએ ૨૦૧૨થી દર વર્ષે લાગુ કરાતો ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવવધારાથી બીએમસીને ૯૧.૪૦ કરોડ રૂપિયાની વધારાની આવક થશે.
મુંબઈને અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી વગેરે સાત જળાશયમાંથી દરરોજ ૩૮૫૦ એમએલડી પાણીનો પુરવઠો કરવામાં આવે છે. પાણીની આ વ્યવસ્થા માટે મુંબઈ બીએમસીએ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. મુંબઈગરાઓને બીએમસી અત્યારે પ્રત્યેક હજાર લિટરદીઠ ૬ રૂપિયા ચાર્જ લગાવે છે. આમાં ૭.૧૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બીએમસીએ આપેલી માહિતી મુજબ મુંબઈગરાઓને નિયમિત પાણી પૂરું પાડવા માટે બીએમસી મોટો ખર્ચ કરે છે એને પહોંચી વળવા માટે દર વર્ષે ૮ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય ૨૦૧૨માં લેવામાં આવ્યો હતો. આ વધારો ૨૦૧૯ સુધી અમલમાં મુકાયો હતો. જોકે ૨૦૨૦માં કોરોના મહામારી આવતાં મુશ્કેલીમાં મુકાયેલા મુંબઈગરાઓને રાહત મળે એ માટે છેલ્લાં બે વર્ષથી પાણીના દરમાં કોઈ ફેરફાર નહોતો કરાયો.
તળ મુંબઈના રહેવાસીઓએ પાણીના વધારાના રૂપિયા ખર્ચ કરવાની સાથે અહીં વીજળી પૂરી પાડતી બેસ્ટ કંપનીએ બે મહિનાનાં બિલ ઍડ્વાન્સમાં ભરવાનું ફરમાન જારી કર્યું છે. બેસ્ટ આ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે ગ્રાહકના અકાઉન્ટમાં જમા કરશે. બેસ્ટ તળ મુંબઈમાં ૧૦,૮૦,૦૦૦ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. એમાંથી ૮,૫૦,૦૦૦ કનેક્શન ઘરગથ્થુ અને ૨,૧૦,૦૦૦ કનેક્શન કમર્શિયલ છે.