મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે આવા લોકોને ભાડેથી મકાન કે ઑફિસ ન આપવા ચેતવણી આપી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં બંગલાદેશ અને નાઇજીરિયા સહિતના દેશના વિદેશીઓ ગેરકાયદે રહેતા હોવાની ફરિયાદ મળ્યા બાદ આ ક્ષેત્રના પોલીસ-કમિશનર મધુકર પાંડેએ આવા વિદેશીઓને શરણ આપતા કે તેમને મકાન તેમ જ ઑફિસ ભાડે આપતા અથવા તો એ માટેના ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવી આપતા લોકો માટે ચેતવણી જાહેર કરી છે. મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ-કમિશનર મધુકર પાંડેએ એક વિડિયો રિલીઝ કરીને કહ્યું છે કે ‘પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં કેટલાક લોકો ગેરકાયદે વિદેશીઓને ઘરમાં રાખનારા અને તેમને ભાડેથી મકાન આપનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવા વિદેશી નાગરિકોને કારણે ક્યારેક જોખમી સ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને બંગલાદેશી અને નાઇજીરિયામાંથી આવેલા લોકો મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં રહીને કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા લાગે છે. આથી જોખમને ટાળવા માટે તમામ લોકોને અપીલ કરવાની સાથે ચેતવણી આપવામાં આવે છે કે કોઈ પણ વિદેશી નાગરિકને શરણ ન આપે. ચેતવણી આપ્યા બાદ પણ કોઈ ગેરકાયદે રહેતા વિદેશીઓને ડૉક્યુમેન્ટ્સ બનાવવા માટે મદદ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’