બીડ જિલ્લાના કેજ તાલુકાના મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં જેમનું નામ લેવાઈ રહ્યું છે એ વાલ્મિક કરાડે ગઈ કાલે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું, પણ હત્યાના મામલે નહીં
વાલ્મિક કરાડ
બીડ જિલ્લાના કેજ તાલુકાના મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં જેમનું નામ લેવાઈ રહ્યું છે એ વાલ્મિક કરાડે ગઈ કાલે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું, પણ હત્યાના મામલે નહીં; આ કેસમાં જ તેમની સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી એમાં તેણે સરેન્ડર કર્યું હોવાની સ્પષ્ટતા કરી હતી.
સંતોષ દેશમુખ મર્ડર-કેસના આ પ્રકરણમાં હવે તપાસને વેગ મળ્યો છે. કેસની તપાસ કરતી ટીમને એ મર્ડર બાદ ગાડીમાંથી બે સ્માર્ટફોન મળી આવ્યા હતા જે ટેક્નિકલ ઍનૅલિસિસ માટે ફૉરેન્સિક લૅબને મોકલાવ્યા છે. એ ઉપરાંત એ હત્યા-કેસમાં વપરાયેલી ગાડીની પણ વિવિધ ચકાસણી ચાલી રહી છે. એ પ્રકરણમાં અનેક લોકોની તપાસ ચાલી રહી છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
જો હું દોષી જણાઉં તો ન્યાયદેવતા જે શિક્ષા આપશે એ ભોગવવા હું તૈયાર છુંઃ વાલ્મિક કરાડ
પોલીસ સામે સરેન્ડર કરતાં પહેલાં વાલ્મિક કરાડે એક વિડિયો-મેસેજ બનાવ્યો હતો. આ મેસેજમાં તેણે કહ્યું હતું કે ‘હું વાલ્મિક કરાડ, બીડ જિલ્લાના કેજ પોલીસ-સ્ટેશનમાં ખંડણીની ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે. મને ધરપકડ પહેલાં જામીન મેળવવાનો અધિકાર હોવા છતાં CID ઑફિસ પાષાણ રોડમાં હું સરેન્ડર કરી રહ્યો છું. મસ્સાજોગના સરપંચ સંતોષ ભૈયા દેશમુખની જે કોઈએ હત્યા કરી છે તેમની ધરપકડ કરવામાં આવે અને તેમને ફાંસીની શિક્ષા આપવામાં આવે. રાજકીય દ્વેષને લઈને મારું નામ એની સાથે જોડવામાં આવી રહ્યું છે. પોલીસ-તપાસમાં જે કંઈ જણાઈ આવે અને એમાં જો હું દોષી જણાઉં તો ન્યાયદેવતા જે શિક્ષા આપશે એ ભોગવવા હું તૈયાર છું.’