જો ૬૦ ટકા મતદારો મતદાન-કેન્દ્ર પર ગયા હોત તો રાજ્યની ૪૦ બેઠકમાં આપણે વિજયી મેળવી શક્યા હોત
ષણ્મુખાનંદ હૉલમાં બોલી રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે.
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૪૦૦ પારનું સૂત્ર આપ્યું હતું એટલે આટલી બેઠકો આવવાની જ છે એમ માનીને મતદારો વેકેશન પર ઊપડી જતાં મતદાન ઓછું થયું હતું જેનો મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં આયોજિત મહાયુતિના વરિષ્ઠ નેતા અને પદાધિકારીઓની બેઠકમાં કહ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ત્રીજી ટર્મમાં પણ નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન બનશે એમ માનીને આપણા લોકો ત્રણ દિવસની રજા લઈને વેકેશન પર જતા રહ્યા હતા. આપણે ગાફેલ રહ્યા એનો ફાયદો વિરોધ પક્ષોને થયો. જો ૬૦ ટકા મતદારો મતદાન-કેન્દ્ર પર ગયા હોત તો રાજ્યની ૪૦ બેઠકમાં આપણે વિજયી મેળવી શક્યા હોત. ખોટું બોલીને લોકોને એક વખત મૂર્ખ બનાવી શકાય, વારંવાર નહીં. આ મોટું નુકસાન થયું છે એટલે ભવિષ્યમાં બધાએ ધ્યાન રાખવું.’
ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અગાઉની સરકારમાં ફેસબુક અને વર્ક ફ્રૉમ હોમથી કામ થતું. અમે ફેસબુક નહીં પણ ફેસ-ટુ-ફેસ કામ કરીએ છીએ. આ સિવાય વ્યક્તિગત લાભ લેવા માટે અમે કામ નથી કરતા. મોંમાં સોનાની ચમચી લઈને અમે જન્મ્યા નથી. લોકોના જીવનમાં સુધારો કરવા માટેનું કામ કરીએ છીએ.’
ADVERTISEMENT
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે. મુખ્ય પ્રધાને નાના પટોલેના આરોપ વિશે કહ્યું હતું કે ‘તમે માથાભેર પડ્યા છો? બોફર્સથી લઈને અસંખ્ય કૌભાંડોમાં તમે રૂપિયા ખાધા. તમને બોલવાનો અધિકાર છે? હવે ફૂલપ્રૂફ કામ કરવાનું છે. વિરોધીઓને બોલવાની એક પણ તક નથી આપવી.’