વિરારના બોલિંજમાં પદમાવતીનગરમાં રહેતા અર્નાલા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રતિકાંત ભદ્રશેટ્ટેએ ગઈ કાલે બપોરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી.
રતિકાંત ભદ્રશેટ્ટે
વિરારના બોલિંજમાં પદમાવતીનગરમાં રહેતા અર્નાલા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રતિકાંત ભદ્રશેટ્ટેએ ગઈ કાલે બપોરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. બોલિંજ પોલીસને આ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે જઈ પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે વિરારની ગ્રામીણ હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ મામલે બોલિંજ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે. રતિકાંત છેલ્લા કેટલાક સમયથી નિરાશ રહેવા લાગ્યો હતો અને એ જ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી પોલીસે આપી છે.
પુણેમાં ઑગસ્ટમાં ૩૫ વર્ષના રતિકાંતના ભાઈનું મૃત્યુ થયા બાદ તે માનસિક રીતે અસ્થિર રહેતો હતો એમ જણાવતાં બોલિંજ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બોલિંજ વિસ્તારના સાંઈ બ્રહ્મા અપાર્ટમેન્ટમાં રહેતા રતિકાંત ભદ્રશેટ્ટેએ બપોરે ઘરની છતના હુકમાં બેડશીટ બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના બની એ સમયે તેની પત્ની અને પુત્રી એક કાર્યક્રમમાં ગયાં હતાં. તેઓ સાંજે કાર્યક્રમમાંથી પાછાં આવ્યાં ત્યારે રતિકાંતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઑગસ્ટમાં પુણેમાં રહેતા તેના ભાઈનું મૃત્યુ થયું ત્યારથી તે માનસિક રીતે અસ્થિર હોવાની માહિતી પરિવારે અમને આપી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’