વાઇફને આવું કહીને ક્રિકેટ રમવા માટે ગયેલો નાલાસોપારાનો વિજય પટેલ તો ન આવ્યો, પણ તેનો મૃતદેહ આવ્યોઃ હાર્ટ-અટૅકને લીધે તેનું પિચ પર જ થયું અવસાન
નાલાસોપારાના ૩૨ વર્ષના વિજય પટેલ
દર વર્ષે વતન જાલનામાં રમાતી ક્રિસમસ ટ્રોફી રમવા જતા નાલાસોપારાના ૩૨ વર્ષના વિજય પટેલે બે સિક્સ મારી અને પછી સાથી પ્લેયરને પંચ કરી પાછો બૅટિંગ કરવા ક્રીઝ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે પિચ પર જ હાર્ટ-અટૅક આવવાને લીધે સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યે તે મૃત્યુ પામ્યો હતો. ગઈ કાલે તેના પરિવારે જાલનામાં જ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
વિજય પટેલ વિશે વધુ માહિતી આપતાં તેના ભાઈ ગણેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ભાઈ વિજય ઑલરાઉન્ડર હતો. અમે મૂળ જાલનાના જ છીએ. મમ્મી-પપ્પા કામધંધાની શોધમાં નાલાસોપારા આવ્યાં હતાં. પપ્પાએ વર્ષો પહેલાં જ ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો છે. દર વર્ષની જેમ અમે બધા ક્રિસમસ અને ક્રિકેટ ટુર્નામેન્ટ એમ બન્નેનો લહાવો લેવા અહીં આવ્યા હતા. વિજયનુ સાસરું પણ અહીં જ છે. ડૉ. ફ્રેઝર બૉયઝ સ્કૂલના આ ગ્રાઉન્ડ પર મૅચ રમાય છે અને અહીંથી પાંચ જ મિનિટના અંતરે વિજયનું સાસરું છે. તેની પત્ની, બે બાળકો સહિત અમે બધાં જ આવ્યાં હતાં. તે ૧૦ વાગ્યે મૅચ રમવા ગયો એ પહેલાં તેની વાઇફને કહીને ગયો હતો કે દોઢેક કલાકમાં મૅચ રમીને આવું છું, જમવાનું તૈયાર રાખજે. જોકે ન બનવાનું બની ગયું. તેને છાતીમાં થોડીઘણી તકલીફ હોવાથી એકાદ વર્ષ પહેલાં ડૉક્ટરને બતાવ્યું હતું. તેનો ECG પણ કાઢ્યો હતો અને એક ગોળી પણ તે નિયમિત લેતો હતો. જોકે એ સિવાય તેને બીજી કોઈ તકલીફ નહોતી.’