Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાની ચોરી,મોટી સજા?

નાની ચોરી,મોટી સજા?

Published : 03 April, 2022 09:30 AM | IST | Mumbai
Rohit Parikh, Mehul Jethva | feedback@mid-day.com

આવું માનતા વિદ્યાવિહારની અચીજા હોટેલના ગોડાઉનકીપરે ગોડાઉનમાંથી દાળની ચોરી કરવા બદલ નોકરીમાંથી પાણીચું આપનાર માલિકને નુકસાન પહોંચાડવા વૉચમૅન પર કર્યો પેવરબ્લૉકથી હુમલો

નોકરીમાંથી કાઢી મૂકવા માટે માલિક પર બદલો લેવા અચીજા હોટેલના વૉચમૅન પર હુમલો કરનાર દશરથ સાવુ,  હૉસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહેલો વિદ્યાવિહારની અચીજા હોટેલનો વૉચમૅન કાર્તિક ઘુવા.

નોકરીમાંથી કાઢી મૂકવા માટે માલિક પર બદલો લેવા અચીજા હોટેલના વૉચમૅન પર હુમલો કરનાર દશરથ સાવુ, હૉસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહેલો વિદ્યાવિહારની અચીજા હોટેલનો વૉચમૅન કાર્તિક ઘુવા.


દાળ જેવી નાની ચોરી કરી એમાં મને નોકરીમાંથી બરતરફ કરવાની મોટી સજા કરી, હવે તો હું મારા શેઠને મારી તાકાતનો પરચો બતાવી જ દઉં એવા આશય સાથે વિદ્યાવિહાર-ઈસ્ટની અચીજા ફાસ્ટ ફૂડ હોટેલમાંથી નોકરીમાંથી બે દિવસ પહેલાં જ કાઢી મૂકવામાં આવેલા અને છંછેડાયેલા મૂળ ઉત્તરાખંડના ૩૭ વર્ષના ગોડાઉનકીપર દશરથ સાવુએ ૩૦ એપ્રિલે વહેલી સવારે ચાર વાગ્યે અચીજા હોટેલના ૫૮ વર્ષના વૉચમૅન કાર્તિક ઘુવા પર પેવરબ્લૉકથી હુમલો કર્યો હતો. ઘાટકોપર પોલીસે દશરથ સાવુની નાયગાંવ-વસઈના સ્લમ વિસ્તારમાંથી ઘટનાના ૧૪ કલાકમાં જ ધરપકડ કરી હતી.


આખો બનાવ એવો છે કે ઉત્તરાખંડથી આવેલો અને નાયગાંવમાં રહેતો દશરથ સાવુ ઘટનાના ૧૫ દિવસ પહેલાં જ વિદ્યાવિહારની અચીજા હોટેલમાં ગોડાઉનકીપર તરીકે નોકરીએ લાગ્યો હતો. ઘટનાના બે દિવસ પહેલાં ગોડાઉનમાં દાળની ચોરી કરતાં તે પકડાઈ ગયો હતો. એને કારણે તેને તરત જ નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. એ દિવસથી જ દશરથ ધૂંધવાયેલો હતો. તેણે અચીજાના માલિકને બતાવી દેવું હતું કે તેમણે દશરથને નોકરીમાંથી કાઢીને બહુ મોટી ભૂલ કરી છે. આથી છંછેડાયેલો દશરથ ૩૦ એપ્રિલે વહેલી સવારે ચાર વાગ્યે પીપીઈ કિટ અને ચહેરા પર માસ્ક પહેરીને વિદ્યાવિહારની અચીજા હોટેલ પર પહોંચ્યો હતો. ત્યાં તેણે બહાર બેસીને મોબાઇલમાં ફિલ્મ જોઈ રહેલા પંતનગરમાં તેના સગા સાથે રહેતા ૫૮ વર્ષના કાર્તિક ઘુવાના માથા પર પેવરબ્લૉકથી હુમલો કર્યો હતો. એને લીધે કાર્તિક ઘુવા તેની ખુરસી પરથી નીચે પડી ગયો હતો. ત્યાર પછી દશરથ કાર્તિક ઘુવાને ઘસડીને થોડે દૂર લઈ ગયો હતો. ત્યાં તેણે ફરી કાર્તિક ઘુવાના માથામાં પેવરબ્લૉક માર્યો હતો. કાર્તિક ઘુવા લોહીલુહાણ થઈ જતાં દશરથ ત્યાંથી ભાગી ગયો હતો. જોકે આ આખી ઘટના અચીજા હોટેલના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. 
કાર્તિક ભાનમાં આવતાં તેણે તરત જ તેના સગાને મોબાઇલથી તેના પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેનાં સગાં તરત જ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને તેને ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવમાં તેના માથામાં ૧૭ ટાંકા આવ્યા હતા. આ માહિતી આપતાં કાર્તિકના ભાણેજ જયંત ઘુવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા મામાને અચીજા હોટેલના કોઈ સ્ટાફ સાથે કોઈ જ દુશ્મની નહોતી. તેમના પર કેમ હુમલો કરવામાં આવ્યો એની અમને જ ખબર નથી.’



ઘાટકોપર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિકાસ સરનાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરીને આરોપી દશરથ સાવુની ધરપકડ કરી હતી. દશરથની વધુ પૂછપૂરછ કરતાં તેણે કહ્યું હતું કે તેને હોટેલના માલિકે કોઈ કારણ વગર કામ પરથી કાઢ્યો હતો. આથી તે માલિક પર રોષ ભરાયો હતો. તે કોઈ પણ રીતે માલિકને નુકસાન પહોંચાડવા ઇચ્છતો હતો. એનો ભોગ નિર્દોષ વૉચમૅન બની ગયો હતો. તેની વૉચમૅન સાથે કોઈ જ દુશ્મની નહોતી.’


અમને અચીજા હોટેલના વૉચમૅન પર હુમલાની ઘટનાની માહિતી મળતાં તરત જ અમારી ઘાટકોપર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી એમ જણાવીને ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અચીજા હોટેલના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં હુમલાખોરનો ચહેરા સ્પષ્ટ દેખાતો નહોતો. એટલે રોડ પરના કૅમેરા ચેક કરતાં ઘાટકોપર પોલીસની ટીમને એક અજાણ્યા યુવાનની હિલચાલ દેખાઈ હતી. અચીજા હોટેલના સ્ટાફ પાસેથી અમને જાણવા મળ્યું હતું કે આ યુવાન બે દિવસ પહેલાં ગોડાઉનકીપરની નોકરીમાંથી કાઢી મુકાયેલો દશરથ સાવુ છે. જોકે કોઈની પાસે તેનું મુંબઈનું ઍડ્રેસ નહોતું. ફક્ત ઉત્તરાખંડનું આધારકાર્ડ જ હતું. જોકે પોલીસની વધુ તપાસમાં અમને દશરથ સાવુ નાયગાંવ-વસઈના સ્લમ વિસ્તારમાં રહે છે એવી જાણકારી મળી હતી. એના આધારે ઘાટકોપર પોલીસ અને ડિટેક્શન ટીમે નાયગાંવ જઈને દશરથની ધરપકડ કરી હતી.’   


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2022 09:30 AM IST | Mumbai | Rohit Parikh, Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK