વાઇરલ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો કે મુંબઈ પોલીસના હેડક્વૉર્ટર, DCP ઑફિસ અને પોલીસ-સ્ટેશનથી આટલા અંતરે થાય છે ડ્રગ્સની હેરાફેરી
ફુટપાથ પર ખુરસીમાં બેસીને પોલીસની નજર સામે ખુલ્લેઆમ ડ્રગ્સ વેચી રહેલી વ્યક્તિનો વિડિયો-ગ્રૅબ.
સોશ્યલ મીડિયામાં ગઈ કાલે એક વિડિયો ખૂબ જ વાઇરલ થયો હતો, જેમાં દેખાડવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસના ક્રૉફર્ડ માર્કેટમાં આવેલા હેડક્વૉર્ટર, ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP)ની ઝોન-૧ની ઑફિસ અને આઝાદ મેદાન પોલીસ-સ્ટેશન નજીક કેટલાક લોકો નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યા છે. વિડિયોમાં એક વ્યક્તિ ખુરસીમાં બેસીને ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું દેખાય છે. કોઈક શાહિદ અન્સારી નામની વ્યક્તિએ મંગળવારે સાંજે ૬.૨૭ વાગ્યે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર પોસ્ટ કરેલા વિડિયો સાથે લખ્યું છે કે મુંબઈ પોલીસના હેડક્વૉર્ટરથી ૧૦૦૦ મીટર, આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનથી ૫૦૦ મીટર અને DCPની ઝોન-૧ની ઑફિસથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આ ગોરખધંધો ચાલી રહ્યો છે.
આ પોસ્ટ વિશે DCP ઝોન-૧ પ્રવીણ મુંડેએ કહ્યું હતું કે ‘હું અત્યારે રજા પર છું. મેં આ વિડિયો જોયો છે અને એની નોંધ લેવામાં આવી છે. વિડિયોમાં દેખાતી વ્યક્તિ ખરેખર ડ્રગ્સ વેચી રહી છે કે કેમ એ ચકાસવામાં આવશે.’