VHP અને બજરંગ દળના આઠ નેતાઓએ નાગપુર પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર, કોર્ટે આપ્યા બધાને જામીન: નાગપુરમાં થયેલા હિંસાચારના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકો સામે કુલ છ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને ૫૪ લોકોની ધરપકડ કરી છે.
નાગપુર હિંસા બાદની ફાઈલ તસવીર
ઔરંગઝેબની કબર હટાવવાની માગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના નેતા અને કાર્યકરોએ સોમવારે વિરોધ-પ્રદર્શન કર્યું હોવાથી તેમની સામે નાગપુરના ગણેશપેઠ પોલીસ-સ્ટેશને ગેરકાયદે વિરોધ-પ્રદર્શન અને ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ નોંધ્યો હતો. ગઈ કાલે આ કેસના સંદર્ભમાં VHP અને બજરંગ દળના આઠ નેતાઓએ પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. જોકે VHPના મહારાષ્ટ્ર અને ગોવાના ઇન્ચાર્જ ગોવિંદ શેંડેની હજી ધરપકડ કરવામાં નથી આવી.
નાગપુરમાં થયેલા હિંસાચારના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકો સામે કુલ છ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને ૫૪ લોકોની ધરપકડ કરી છે.

