શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિતના અનેક નેતાઓ મળ્યા
ડૉ. બાબા આઢાવને પારણું કરાવતા ઉદ્ધવ ઠાકરે
વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસ, ઉદ્ધવસેના અને શરદ પવાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ કરવામાં આવી હોવાનો આરોપ કરીને હવે પછીની તમામ ચૂંટણી બૅલટ પેપરથી કરાવવાની માગણી કરી રહ્યા છે. મહા વિકાસ આઘાડી ઉપરાંત ૧૯૭૦માં પુણે મહાનગરપાલિકામાંથી સમાજવાદી પાર્ટીના નગરસેવક તરીકે ચૂંટાયેલા અને બાદમાં સામાજિક કાર્યકર બની ગયેલા ૯૪ વર્ષના ડૉ. બાબા આઢાવે ૨૮ નવેમ્બરથી EVMના વિરોધમાં ત્રણ દિવસની ભૂખહડતાળ શરૂ કરી હતી. તેમણે અત્યારની ચૂંટણીમાં સત્તા અને રૂપિયાનો દુરુપયોગ કરવાનો આરોપ પણ કર્યો છે. ગઈ કાલે શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓએ બાબા આઢાવની મુલાકાત લીધી હતી.
પુણેમાં સમાજસુધારક જ્યોતિબા ફુલેના ઐતિહાસિક નિવાસ ફૂલેવાડામાં ડૉ. બાબા આઢાવ ત્રણ દિવસથી ભૂખહડતાળ કરી રહ્યા હતા એના ગઈ કાલે ત્રીજા દિવસે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવાર તેમને મળ્યા હતા. શરદ પવારે વિધાનસભાની ચૂંટણી વિશે ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીમાં સત્તા અને રૂપિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પહેલાં કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં આવું જોવા નથી મળ્યું.’
ADVERTISEMENT
અજિત પવાર પણ ડૉ. બાબા આઢાવને મળ્યા હતા. અજિત પવારે એ સમયે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં લોકોએ વિજયી બનાવ્યા ત્યારે કોઈએ EVM પર શંકા નહોતી કરી. વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ અમને મતદાન કર્યું છે. ૧૯૯૯માં પણ આવું જ થયું હતું. એ સમયે લોકસભાની ચૂંટણીમાં જનતાએ વાજપેયીને મત આપ્યા હતા અને વિધાનસભામાં અમને ચૂંટ્યા હતા.
કૉન્ગ્રેસના નેતાઓ EVMને કારણે તેમનો પરાજય થયો હોવાનું કહે છે તો એ સિદ્ધ કરે. તેઓ કહે છે કે સાંજે મતદાન વધ્યું છે. મતદાન ક્યારે કરવું એનો અધિકાર મતદારને છે. કર્ણાટકમાં કૉન્ગ્રેસે ફ્રી યોજના નહોતી આપી? આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં ફ્રી યોજના નથી આપી? લોકશાહીમાં ચૂંટાઈ આવેલી સરકારે શું આપવું અને શું ન આપવું એનો અધિકાર હોય છે.’
ઉદ્ધવ ઠાકરે પણ બાબા આઢાવના હડતાળસ્થાને પહોંચ્યા હતા. તેમણે બાબા આઢાવને કહ્યું હતું કે ‘તમે આટલી મોટી ઉંમરે આ હડતાળ કરી છે એ અમને પ્રેરણા આપે છે. વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટથી વિજયી થયેલા અને પરાજિત થયેલાઓને વિશ્વાસ નથી થઈ રહ્યો. કેટલાક તો તેઓ કેવી રીતે વિજયી થયા છે એનું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. અમે સત્યમેવ જયતેમાં વિશ્વાસ રાખીએ છીએ, જ્યારે સત્તાધારીઓમાં સત્તામેવ જયતે શરૂ થયું છે.’ ડૉ. બાબા આઢાવે ઉદ્ધવ ઠાકરેના હાથે જૂસ પીને હડતાળ સમેટી હતી.