મુંબઈ-અમદાવાદ હાઇવે પરનો આ મહત્ત્વનો પુલ ફેબ્રુઆરીમાં લોકો માટે ખુલ્લો મુકાવાનો હતો, પરંતુ હવે મુંબઈ-સુરતની લેન ખુલ્લી મુકાશે એવો દાવો
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભાઈંદરની ખાડી પરનો નવો વર્સોવા બ્રિજ
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અત્યંત મહત્ત્વનો નવો વર્સોવા બ્રિજ હવે ૧૫ દિવસમાં ખુલ્લો મુકાશે એવો દાવો નૅશનલ હાઇવે ઑથોરિટી દ્વારા ‘મિડ-ડે’ સાથે થયેલી વાતચીતમાં કરવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરના ટ્રાફિકને દૂર કરવા માટે આ બ્રિજ અત્યંત મહત્ત્વનો છે. ભાઈંદર ખાડી પરના નવા વર્સોવા બ્રિજનું નિર્માણકામ અંતિમ તબક્કામાં છે અને ૯૦ ટકાથી વધુ કામ પૂરું થઈ ગયું છે. બ્રિજના નિર્માણકામમાં અનેક પ્રકારની અડચણ આવી હોવાથી વર્ષોથી બ્રિજનું કામ રખડી પડ્યું હતું અને એ કયારે લોકો માટે ખુલ્લો મુકાશે એની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.
મુંબઈ અને ગુજરાતને જોડતો વાહનો માટેનો બ્રિજ ભાઈંદરની ખાડી પર નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. મુંબઈ અને ગુજરાતને જોડતો આ બ્રિજ ટ્રાફિકની દૃષ્ટિએ મહત્ત્વનો છે. ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર નવો વર્સોવા બ્રિજ શરૂ થશે તો આશરે ૭૦ ટકાથી પણ વધુ ટ્રાફિક જૅમની સમસ્યા દૂર થઈ જશે. આ બ્રિજનું કામ શરૂ થયું ત્યાર બાદ કોરોના આવતાં કામ પર બ્રેક લાગી ગઈ હતી. ત્યાર બાદ આ બ્રિજ પર અનેક જગ્યાએ તિરાડો પડી હોવાથી સાંસદ રાજેન્દ્ર ગાવિતે બ્રિજનું સ્ટ્રક્ચર ખામીયુક્ત હોવાનો આક્ષેપ કર્યો હતો અને એના પર કામ પણ કરાયું હતું.
ADVERTISEMENT
નવો બ્રિજ મહત્ત્વનો
ભાઈંદરની ખાડી પરનો પહેલો બ્રિજ ૧૯૬૮માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ હવે નબળો પડી ગયો હોવાથી નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જૂના વર્સોવા બ્રિજની બાજુમાં નવા વર્સોવા બ્રિજનું બાંધકામ નૅશનલ હાઇવે ઑથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યું હતું. આ નવા બ્રિજને કારણે ઘોડબંદર નાકા, વસઈ, થાણે, મીરા-ભાઈંદર, મુંબઈ અને ગુજરાત બાજુએ જતો રસ્તો એકદમ મોકળો થશે અને લોકોનો ટ્રાફિકમાં સમય પણ વેડફાશે નહીં.
ફક્ત ૧૫ દિવસ બાકી
નૅશનલ હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર મુકુંદા અત્તરદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બ્રિજ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે જૂના બ્રિજ પર લોડ ખૂબ વધી ગયો છે. નવા બ્રિજનું કામ ૯૦ ટકાથી વધુ થઈ ગયું છે. હાલમાં વિવિધ પ્રકારની ટેસ્ટ, કૉન્ક્રીટની મજબૂતાઈ વગેરે તપાસ કરવાનું કામ ચાલી રહ્યું છે. આગામી ૧૫ દિવસમાં બ્રિજનો મુંબઈ-સુરત અને થાણે-સુરત માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. આ માર્ગ ખુલ્લો મૂકવાની સાથે જ જૂના માર્ગ પરનો બધો ટ્રાફિક અહીં ડાઇવર્ટ થઈ જશે. ત્યાર બાદ સુરત-મુંબઈ માર્ગનું કામ શરૂ કરાશે. હાલમાં અમારાથી થતું કામ અમે શરૂ કરી દીધું છે, પરંતુ ટ્રાફિક ડાઇવર્ટ થશે તો બીજા માર્ગનું કામ મે મહિના સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. આ કામ માટે ટ્રાફિક જંક્શન મોકળું જોઈએ છે. નવો બ્રિજ નાશિક ફ્લાયઓવર જેવો જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. સિગ્નલ-ફ્રી બ્રિજ હશે અને કેન્ટિલીવર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.’