મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર બની રહેલા વર્સોવા બ્રિજનું ૮૩ ટકા બાંધકામ પૂરું : ૨૦ ફેબ્રુઆરીએ ખુલ્લો મુકાવાની શક્યતા
નવા બની રહેલા વર્સોવા બ્રિજની મુલાકાત લેવાઈ હતી અને એ ફેબ્રુઆરી સુધી ખુલ્લો મુકાય એવી શક્યતા છે.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વધતા ટ્રાફિકની સમસ્યાથી જલદી રાહત મળે એવા સારા સમાચાર મુંબઈગરાઓને મળવાની શક્યતા છે. મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ભાઈંદર ખાડી પર બંધાઈ રહેલા નવા વર્સોવા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું હોવાથી નાગરિકોને જલદી રાહત મળે એમ લાગે છે. ૨.૨૫ કિલોમીટર લાંબા આ બ્રિજનું ૮૩ ટકા સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. મુખ્યત્વે મુંબઈથી સુરત (ફોર લેન) બ્રિજ ૨૦ ફેબ્રુઆરી સુધી ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે. તાજેતરમાં શિવસેનાના સંસદસભ્ય રાજન વિચારેએ આ બ્રિજના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું.
દરરોજ આશરે દોઢ લાખ વાહનોની અવરજવર
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે-૮ મુંબઈ, થાણે અને વસઈની દિશાએથી ગુજરાતને જોડતો મહત્ત્વનો રોડ છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. પૅસેન્જર કાર યુનિટ (પીસીયુ)ના અહેવાલ મુજબ આ માર્ગ પર દરરોજ લગભગ ૧.૨૫ લાખ વાહનોની અવરજવર રહે છે. વાહનોની વધતી જતી સંખ્યા અને જૂના બ્રિજની જર્જરિત હાલતને જોતાં નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા જૂના વર્સોવા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બાંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ બ્રિજનું ૮૩ ટકા બાંધકામ પૂર્ણ થયું
આ બ્રિજનું નિર્માણકાર્ય ૨૦૧૮ના જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી પૂર્ણ થવાની ધારણા હતી. શરૂઆતમાં નિર્માણકાર્ય ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. એ પછી આ કાર્ય પૂર્ણ કરવા માટે ૨૦૨૨ની ૩૦ જૂનની મુદત આપવામાં આવી હતી. એ દરમ્યાન કોરોના રોગચાળાના સંક્રમણને લીધે આ બ્રિજના નિર્માણકાર્યમાં વિલંબ થયો હતો અને બાંધકામની ગતિ ધીમી પડી ગઈ હતી. જોકે હવે ફરી નિર્માણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. હાઇવે ઑથોરિટીના અધિકારીઓએ માહિતી આપી છે કે બ્રિજનું નિર્માણકાર્ય અત્યાર સુધી ૮૩ ટકા થઈ ચૂક્યું છે.
આ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે
ભાઈંદર ખાડી પરના જૂના વર્સોવા બ્રિજ પરથી વાહનોની અવરજવર વધી રહી છે. વધતા જતા શહેરીકરણને કારણે વાહનોની અવરજવર દિનપ્રતિદિન વધી રહી છે. એમાં જૂના બ્રિજની આસપાસ કે બ્રિજ પર ખાડા પડવાને કારણે મુસાફરોને કલાકો સુધી સતત ટ્રાફિક જૅમનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જૅમના કારણે પ્રવાસીઓને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે અને નવા બ્રિજનું જલદી બંધાઈ જાય એવી સતત માગણી થઈ રહી હતી. એને ધ્યાનમાં લઈને શિવસેનાના સંસદસભ્ય રાજન વિચારેએ હાઇવે ઑથોરિટીના ઑફિસર મુકુંદા અત્તરડે અને વરિષ્ઠ ટ્રાફિક પોલીસ-ઇન્સ્પેક્ટર રમેશ ભામે સાથે નવા બ્રિજના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. હાઇવે ઑથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને ૨૦ ફેબ્રુઆરી સુધીમાં નવો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.