આરોપીએ મૃતદેહ સાથે પણ બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો : વસઈમાં ૧૫ વર્ષનો ટીનેજર કિશોરીની હત્યા કર્યા પછી ભાગી જવાની તૈયારીમાં હતો
Crime News
કાતિલને મદદ કરનાર પિતા
વસઈમાં આઠ વર્ષની છોકરીની હત્યા કરીને ૧૫ વર્ષનો કિશોર ભાગવાની ફિરાકમાં હતો, પણ મંગળવારે સાંજે જાલના જિલ્લામાંથી મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો. પોલીસનું માનવું છે કે આરોપીએ મૃતદેહને બે દિવસ સુધી તેના ભાડાના મકાનમાં છુપાવી રાખ્યો હતો. પોલીસને એવી પણ શંકા છે કે આરોપીએ મૃતદેહ પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ખૂબ જ સડી ગયેલી હાલતમાં બૉડી મળી આવતાં પોલીસે એને પોસ્ટમૉર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં ખસેડી હતી. ઑટોપ્સી રિપોર્ટ પરથી કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય એમ નથી અને માત્ર તેના મૃતદેહ વિશે તેમ જ ઈજાઓ દર્શાવે છે. વધુ તપાસ માટે એના વિસેરા લેવામાં આવ્યા છે. મૃતદેહનો નિકાલ કરવા અને તેના પુત્રની મદદ કરવાના બદલામાં પેલ્હાર પોલીસ દ્વારા પહેલાંથી જ આરોપીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે પોલીસે આરોપીને વસઈ કોર્ટમાં હાજર કરી આગળની તપાસ માટે તેની કસ્ટડી માગી હતી. કિશોરને જાલનાથી વસઈથી લાવવામાં આવી રહ્યો છે.
મૃતદેહ સાથે બળાત્કારનો પ્રયાસ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પહેલી ડિસેમ્બરે કિશોર છોકરીને રૉ-હાઉસના રૂમ-નંબર ચારમાં ઘસડી ગયો હતો. તેનાં મા-બાપ અને બહેન બહાર ગયાં હોવાથી તેણે છોકરી પર દુષ્કર્મ કરવાના હેતુથી જ તેના મોઢામાં કપડાનો ટુકડો નાખ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીએ અમને કહ્યું હતું કે તે છોકરી પર નજર રાખતો હતો જે તેના પાડોશમાં રહેતી હતી. તેની એકલતાનો લાભ લઈને તે તેને રૂમમાં લઈ ગયો હતો. છોકરી મદદ માટે ચિલ્લાવા લાગી તો કિશોરે તેના મોઢામાં કપડું નાખીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. બાદમાં તેણે તેનું ગળું દબાવ્યું હતું.’
ADVERTISEMENT
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘આરોપીએ અમારી ટીમને જણાવ્યું હતું કે છોકરી મરી ગયા બાદ પણ તેણે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. આરોપીએ એ જ દિવસે હત્યા કરી હતી જ્યારે છોકરી ગુમ થઈ ગઈ હતી. તેણે ગભરાઈને કોઈને કહ્યું નહોતું અને લાશ છુપાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પગને પીળા પટ્ટાથી બાંધીને લાશ કોથળામાં ભરી હતી અને બાદમાં કોઈને શંકા ન જાય એમ છોકરીના પરિવારને શોધવામાં મદદ કરવા લાગ્યો હતો.’
બે દિવસ છુપાવી રાખ્યો મૃતદેહ
તે જ્યાં પોતાનાં મા-બાપ અને બહેન સાથે રહેતો હતો ત્યાં જ બે દિવસ સુધી છોકરીની લાશ છુપાવી રાખી હતી. પેલ્હાર પોલીસના અધિકારીએ કહ્યું હતું કે ‘ત્રીજી અને ચોથી ડિસેમ્બરે આરોપીના પિતાએ જોયું કે તેનો પુત્ર ઘણી વાર કોથળો ખોલવા ઊભો થાય છે. બાદમાં તેના પિતાએ તેનું કૃત્ય જાણી લીધું હતું. પોલીસને બતાવવાની જગ્યાએ કિશોર અને તેના પિતાએ લાશને ડિસ્પૉઝ કરવાનું વિચાર્યું હતું. તેમણે રૂમ-નંબર પાંચમાં ખાડો કરીને એમાં લાશ દાટી દીધી હતી. બાદમાં તેઓ જાલના ચાલ્યા ગયા હતા.’