100 લોકોનું ટોળું પોલીસને લોહીલુહાણ કરીને આરોપીને લઈને રફુચક્કર થઈ ગયું
પ્રતીકાત્મક તસવીર
પુરુષો, મહિલાઓ અને યુવાનોના ૧૦૦ લોકોના ટોળાએ ચેઇન-સ્નૅચિંગ માટે કુખ્યાત ઈરાની ગૅન્ગના સભ્યને લઈ જતા બે વાહનના પોલીસ-કાફલાને ઘેરી લીધો હતો. તેમના પર પથ્થરમારો કર્યા પછી વિન્ડસ્ક્રીન તોડીને તેઓ આરોપી ગુલામઅલી ઉર્ફે નાધરને લઈ ગયા હતા. નાધરની ધરપકડ વસઈની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. આ બનાવમાં ત્રણ પોલીસો ઘાયલ થયા હતા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ વિશે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ ગુર્જરે જણાવ્યું હતું કે ‘અમને બાતમી મળી હતી કે નાધર ભિવંડીના ઈરાનીપાડામાં છુપાયો છે. એટલે અમે ઘટનાસ્થળે જઈને તેની ધરપકડ કરી હતી. પોલીસનો કાફલો અંબિવલી રેલવે લેવલ ક્રૉસિંગ પર પહોંચ્યો ત્યારે પુરુષો, મહિલાઓ અને યુવાનોના ૧૦૦ લોકોના ટોળાએ અમને ઘેરી લીધા હતા. તેમણે પથ્થરમારો કર્યો હતો અને વાહનોને તથા વિન્ડસ્ક્રીનને તોડી નાખ્યાં હતાં. એને કારણે કૉન્સ્ટેબલ અમોલ ધોકે, પ્રશાંત પાટીલ અને મને ઈજા થઈ હતી. અમે લોહીલુહાણ અવસ્થામાં હોવાથી ટોળું નાધરને અમારી પકડમાંથી મુક્ત કરવામાં સફળ રહ્યું હતું.’
ADVERTISEMENT
સંતોષ ગુર્જરે વધુમાં કહ્યું હતું કે ‘વસઈ પહોંચ્યા બાદ અમે આઇપીસીની વિવિધ કલમ હેઠળ અજાણ્યા માણસો સામે કેસ નોંધ્યો છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઈરાનીપાડા વિસ્તાર ચેઇન-સ્નૅચિંગ ગૅન્ગને છુપાવવા બદલ કુખ્યાત છે. પોલીસ જ્યારે પણ આરોપીની ધરપકડ કરવા માટે ઘટનાસ્થળે જાય છે ત્યારે એના પર વારંવાર હુમલો કરવામાં આવે છે અને અમને અમારી ફરજ બજાવવા દેતા નથી. અમે ફરીથી નાધરની ધરપકડ કરવા માટે પોલીસદળ સાથે સ્થળ પર જઈશું અને તેની ધરપકડ કરીશું.’

