દર રવિવારે વિવિધ બીચ ક્લીન કરતા આ કપલે મળેલી જૂની નોટો પોલીસના હવાલે કરી
વસઈનો ભુઈ ગામ બીચ સાફ કરતાં નોટબંધી પહેલાંની જૂની નોટો મળી આવતાં આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે. (તસવીર : હનીફ પટેલ)
વસઈમાં રહેતું એક દંપતી તેમનાં બે નાનાં બાળકો સાથે મળીને છેલ્લાં સાડાપાંચ વર્ષથી મુંબઈના વિવિધ બીચ સાફ કરે છે. દર વખતે બીચ સાફ કરીને અનેક ટન કચરો, પ્લાસ્ટિકની બૉટલ જેવો કચરો દૂર કરીને બીચની સાફસફાઈ કરીને નિસર્ગના સૌંદર્યને જાળવી રાખવાના અનેક પ્રયત્નો આ દંપતી અને તેનો આખો પરિવાર કરે છે. જોકે આ વખતે રવિવારે વસઈ બીચ ક્લીન કરતી વખતે દંપતીનું એક પાઉચ પર ધ્યાન ગયું હતું. આ પાઉચ ભરેલું હોવાથી એના પર નજર જતાં એની તપાસ કરી જોઈ તો એમાંથી ૫૭ હજાર રૂપિયાની નોટબંધી પહેલાંની જૂની નોટો મળી આવતાં આશ્ચર્ય થયું હતું.
બીચ ક્લીનિંગ કરતી વખતે પાણીથી ધોવાઈને આવેલી નોટબંધી પહેલાંની નોટોથી ભરેલું એક પાઉચ મળી આવ્યું એમ જણાવતાં વસઈમાં રહેતા લિસબન ફેરાવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દર રવિવારની જેમ આ વખતે પણ હું, મારી પત્ની સુઝેના, ૧૨ વર્ષની દીકરી નાશા, ૯ વર્ષનો દીકરો લુશેફ અને અન્ય વૉલન્ટિયર વસઈ-વેસ્ટના ભુઈ ગામ બીચ પર સફાઈ કરવા ગયાં હતાં. મૅરથૉન પણ હતી એટલે બીચ પર ઓછા લોકો હશે એટલે અમે બધા વહેલી સવારથી જ બીચ પહોંચી ગયાં હતાં. બીચ પરથી કચરો, પ્લાસ્ટિકની બૉટલ દૂર કરીને સાફ કરતાં મારી પત્ની સુઝેનાને એક પાઉચ દેખાયું હતું. એ ભરેલું જોતાં તેણે એ ખોલીને જોયું હતું. પાઉચમાંથી અમને ૫૭ હજાર રૂપિયા મળી આવ્યા હતા. જોકે આ નોટો બધી જૂની એટલે કે નોટબંધી પહેલાંની હતી. એક હજાર રૂપિયાની નોટના ૩ હજાર રૂપિયા અને અન્ય બધી ૫૦૦ રૂપિયાની નોટો હતી. જૂની નોટો જોતાં અમને પણ નવાઈ લાગી હતી. નોટબંધી વખતે કોઈએ જૂની નોટથી ભરેલું પાઉચ પાણીમાં ફેંકી દીધું હોય એવું લાગે છે. આ પાઉચ માણિકપુર પોલીસને અમે સોંપ્યું હતું અને તેઓ આરબીઆઇમાં જમા કરાવી દેશે. છ મહિના પહેલાં મારાં બાળકોને સફાઈ કરતાં વસઈના જ એક બીચ પરથી મનુષ્યનું હાડપિંજર મળી આવ્યું હતું અને એ વિશે પોલીસને જાણ કરી હતી.’
ADVERTISEMENT
પાંચ હજારથી વધુ ઝાડ અમે વાવ્યાં અને સાડાપાંચ વર્ષથી બીચ ક્લીન કરીએ છીએ, જેમાં ૧૨ હજારથી વધુ લોકો જોડાયા છે એમ જણાવતાં લિસબન ફેરાવે કહ્યું હતું કે ‘અમે ૨૦૧૯થી મૅન્ગ્રોવ્ઝ અને પામ ટ્રી મળીને અત્યાર સુધી ૫૦૦૦ વાવ્યાં છે અને ૭૦૦ ટન કચરો સાફ કર્યો છે. તેમ જ ચોપાટી, કાર્ટર રોડ, અંધેરી લોખંડવાલા, વર્સોવા વગેરે બીચ પણ સાફ કર્યા છે. દર રવિવારે અમુક વખત સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ, કૉર્પોરેટ્સના કર્મચારીઓ, આઇઆઇટી મુંબઈ સહિતના લોકો બીચ સફાઈમાં જોડાય છે. જે કોઈ આવે તેમને બ્રેકફાસ્ટ, ગ્લવ્ઝ, સફાઈનાં સાધનો વગેરે નિ:શુલ્ક આપીએ છીએ. પહેલાંનાં ચાર વર્ષ હું મારા ખર્ચે કરતો અને હવે એક સંસ્થા બ્રેકફાસ્ટ માટે મદદ કરે છે.’