પત્નીની અંતિમક્રિયા માટે પૈસા નથી, દીકરીની કૉલેજની ફી ભરવાના પૈસા નથી, મને પોલિયો છે એવી વાતો કરીને લોકોને લૂંટી રહ્યા છે ઑટોવાળા; લાગણીશીલ બનીને વાતોમાં ફસાયા તો છેતરાવાના પૂરા ચાન્સ છે
પ્રતીકાત્મક તસવીર
રિક્ષાવાળાઓ દ્વારા પૅસેન્જરોની ઇમોશનલ છેતરપિંડી થતી હોવાના કેટલાક કિસ્સા ‘મિડ-ડે’ના ધ્યાનમાં આવ્યા છે. અત્યારે જે કિસ્સા જાણવા મળ્યા છે એ બધા ઘાટકોપરના છે, પણ આવું બીજે પણ બનતું હોઈ શકે. આવી છેતરપિંડીનો બનાવ ‘મિડ-ડે’ સાથે પણ બન્યો હતો. ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી રાજાવાડી હૉસ્પિટલની બહારથી ‘મિડ-ડે’ના રિપોર્ટર તેની બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી ઑફિસમાં જવા રિક્ષા શોધી રહ્યા હતા ત્યારે માથે લાલ રંગનું તિલક કરીને સફેદ યુનિફૉર્મમાં આવેલા એક હટ્ટાકટ્ટા રિક્ષા-ડ્રાઇવરે સામેથી લઈ જવાની તૈયારી બતાવી હતી; પરંતુ તરત જ તેણે તેનાં રોદણાં રડવાની શરૂઆત કરીને કહ્યું હતું કે મને પગે પોલિયો છે અને સારવાર માટે મને ઇન્જેક્શન લેવાનું છે, એના માટે મને ૧૨૫૦ રૂપિયાની જરૂર છે, મને ૧૨૫૦ રૂપિયાની મદદ કરો તો મહેરબાની. રિપોર્ટરે કહ્યું કે મારી પાસે આટલા રૂપિયા નથી, પણ લાગણીવશ થઈને દયાભાવથી તેણે ૨૦૦ રૂપિયા આપ્યા હતા. જ્યારે રિક્ષા-ડ્રાઇવરે રિપોર્ટરના પર્સમાં વધુ રૂપિયા જોયા કે તરત જ તે વધુ પૈસા આપવા વારંવાર કહેવા લાગ્યો. રિપોર્ટરને થયું કે બિચારાને મદદ કરું એટલે તેને બીજા ૧૦૦ રૂપિયા આપ્યા, પણ તેની માગણી ચાલુ જ રહી હતી, તે પીછો છોડવા તૈયાર જ નહોતો. આખરે કંટાળીને રિપોર્ટરે તેને પડતો મૂકીને બીજી રિક્ષા પકડી હતી. આવા જ બીજા બનાવોમાં રિક્ષા-ડ્રાઇવરોએ લોકોને કેવી રીતે છેતર્યા કે છેતરવાની કોશિશ કરી એ વાંચો...
પત્નીના અંતિમ સંસ્કાર માટે પૈસા માગ્યા
ADVERTISEMENT
ઘાટકોપર-ઈસ્ટના રહેવાસી મુકેશ જોશીએ તેમનાં ૭૮ વર્ષનાં મમ્મી-પપ્પા સાથે બનેલા બનાવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક રિક્ષા-ડ્રાઇવર ગારોડિયાનગરની આસપાસના વિસ્તારમાં પૅસેન્જરોને છેતરીને લૂંટી રહ્યો છે. તે મોટા ભાગે સિનિયર સિટિઝનોને નિશાન બનાવે છે. થોડા દિવસ પહેલાં મારાં મમ્મી-પપ્પા સાંજે પાંચ વાગ્યે ગારોડિયાનગરથી મહાત્મા ગાંધી રોડ તરફ તેમના કામે જઈ રહ્યાં હતાં. એ સમયે એક રિક્ષા-ડ્રાઇવર સામેથી જાણે સિનિયર સિટિઝનનો રિસ્પેકટ કરતો હોય એમ ક્યાં જવું છે, ચાલો હું મૂકી દઉં એમ કહેવા લાગ્યો. મમ્મી-પપ્પા તેની રિક્ષામાં બેસી ગયાં પછી થોડી જ વારમાં આ રિક્ષા-ડ્રાઇવરે તેનું પોત પ્રકાશ્યું હતું. તેણે ફોન પર જોર-જોરથી વાત કરવાની શરૂ કરી હતી, જેમાં તેણે તેની પત્ની મૃત્યુ પામી છે એવી વાત શરૂ કરી હતી. ત્યાર બાદ મમ્મી-પપ્પા સામે દયામણો ચહેરો કરીને તેની પાસે પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટેના પૈસા નથી એવો ડોળ કર્યો હતો અને મમ્મી-પપ્પા પાસે પત્નીના અંતિમ સંસ્કાર માટે મદદ કરવાની આજીજી કરી હતી. પપ્પા તેની દુઃખભરી વાત સાંભળીને જાળમાં આવી ગયા હતા અને તેને મદદ કરવા તૈયાર થઈ ગયા હતા. જોકે એ સમયે પપ્પા પાસે ૫૦૦ રૂપિયાથી વધુ કૅશ નહોતા એટલે પપ્પાએ રિક્ષા-ડ્રાઇવરની વાતોમાં આવીને તેમની પાસેના એ ૫૦૦ રૂપિયા તેને આપી દીધા હતા.’
પત્નીના અવસાનના સમાચાર આવ્યા
ઘાટકોપર-વેસ્ટમાં રહેતા રજની પારેખે રિક્ષાવાળાની ઇમોશનલ બદમાશીનો એક બનાવ શૅર કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં વાઇફ ઈસ્ટમાંથી રિક્ષામાં ઘરે આવતાં હતાં. રસ્તામાં રિક્ષાવાળાને ફોન આવ્યો અને તે જોર-જોરથી વાત કરવા લાગ્યો. સામેવાળાએ તેની પત્નીના મૃત્યુના સમાચાર આપ્યા એટલે રિક્ષાવાળો મારાં પત્ની પાસે કરગરવા લાગ્યો કે મારી પાસે તેની અંતિમક્રિયા કરવા માટે પૈસા નથી, પ્લીઝ મને થોડી મદદ કરો. મારાં વાઇફ ભાવુક થઈ ગયાં અને તેને ૫૦૦ રૂપિયા આપ્યા. આ રીતનો જ કિસ્સો અમારા ઓળખાણમાં એક જ પરિવારના બે જણ સાથે બન્યો હતો. એમાંથી એક જણે ૧૦૦૦ રૂપિયા અને બીજાએ ૨૦૦૦ રૂપિયા આપ્યા હતા.’
કૉલેજની ફી માટે ૮૦૦૦ રૂપિયા માગ્યા
ઘાટકોપર-વેસ્ટનાં રૂપા પરીખે થોડા દિવસ પહેલાં તેમને થયેલા રિક્ષા-ડ્રાઇવરના કડવા અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ દિવસે મેં મુલુંડ જવા માટે મારી સોસાયટીના કૉમ્પ્લેક્સમાંથી જ એક આધેડ વયના ખાખી યુનિફૉર્મવાળા ડ્રાઇવરની રિક્ષા પકડી હતી. તેણે બહેનજી-બહેનજી કરીને એવી વાત કરી કે અમને થયું કે સારો રિક્ષાવાળો મળ્યો છે. તે રિક્ષા ધીમી ચલાવતો હતો તો પણ અમે તેના પર ધ્યાન આપ્યું નહોતું. અમે ભાંડુપ પહોંચ્યાં ત્યારે તેણે અમને કહ્યું કે મને શરમ આવે છે, પણ શું કરું; મારી દીકરીની જિંદગીનો સવાલ છે, તેણે કામાણી પાસે આવેલી કૉલેજમાં ઍડ્મિશન લઈ લીધું છે, પણ જો આવતી કાલ સુધીમાં ફીના ૮૦૦૦ રૂપિયા ભરશે નહીં તો તેને કૉલેજમાંથી કાઢી મૂકશે. તેણે એમને કહ્યું કે છ મહિના પહેલાં ઍરપોર્ટ પરની નોકરી છૂટી જતાં તેણે હવે ભાડેથી રિક્ષા ચલાવવી પડે છે, ઘરમાં ત્રણ દીકરીઓ અને મમ્મી-પપ્પા સાથે છ જણનો પરિવાર છે, કમાનારો એકલો છું એટલે હંમેશાં પૈસાની તકલીફ રહે છે. મારા મિસ્ટરે તેને કહ્યું કે તને ફીના પૈસા મળી જશે, પણ ડાયરેક્ટ કૉલેજના બૅન્ક-અકાઉન્ટમાં ભરીશું; તું કાલે કૉલેજમાંથી ફી કેટલી ભરવાની બાકી છે અને કયા ખાતામાં પૈસા ભરવાના છે એ બધી ડિટેઇલ્સ મને આપી દેજે એટલે હું ફી ભરી દઈશ. ત્યારે તેણે કહ્યું કે હું કાલે કૉલેજમાં જઈને તમને ફોન કરીશ, તમે તમારો નંબર આપી રાખો; મારી પાસે કે મારી દીકરી પાસે મોબાઇલ નથી. મારા મિસ્ટરે તેને નંબર લખી આપીને સંપર્ક કરવા કહ્યું હતું, પણ અમે ડાયરેક્ટ કૉલેજના ખાતામાં પૈસા ભરવાની વાત કરી હતી એટલે આજદિવસ સુધી તેનો ફોન આવ્યો નથી. તેની હિંમત તો જુઓ કે ઘાટકોપરથી મુલુંડનું ભાડું વધારેમાં વધારે ૨૦૦ રૂપિયા થાય એની સામે તેણે ૮૦૦૦ રૂપિયાની સહાય કરવાની માગણી કરી હતી.’