વધારાના એન્જિન વિના ખંડાલા અને ઇગતપુરીના કપરા ઢાળ ચડશે અને ઊતરશે વંદે ભારત એક્સપ્રેસ
વેસ્ટર્ન ઘાટમાંથી પસાર થઈને ચેન્નઈની આઇસીએફ ફેક્ટરીમાંથી વંદે ભારત એક્સપ્રેસ ગઈ કાલે મુંબઈ સીએસએમટી સ્ટેશને આવી પહોંચી હતી. તસવીર: પ્રદીપ ધિવાર
મુંબઈ : રેલવેએ માત્ર થોડા જ દિવસમાં એ હાંસલ કર્યું છે જે છેલ્લાં ૧૫૦ વર્ષમાં વિચાર્યું પણ નહોતું. ખંડાલા અને ઇગતપુરી વચ્ચે ભારતના સૌથી ઊંચા ઢાળ પર વધારાની એન્જિન વિનાની ટ્રેનોને એમની પોતાની શક્તિ પર કોઈ પણ ટેકા વિના દોડાવવાની સિદ્ધિ રેલવેએ મેળવી છે.
કલ્યાણથી આગળ પુણે જતાં ભોર ઘાટમાં અને નાશિક જતાં થલ ઘાટમાં પર્વતીય ઘાટ પર રેલવેલાઇન પર ૧:૩૭ના ઢાળ સાથે સૌથી વધુ ઢાળ છે. એનો અર્થ એ થાય કે દર ૩૭ મીટરે ૧ મીટરનો વધારો થાય છે. આવા તીવ્ર ઢાળને કારણે આ પટ્ટા પરથી પસાર થતી તમામ ટ્રેનોને બૅન્કર લોકોમોટિવના નામે ઓળખાતું વધારાનું લોકોમોટિવ એન્જિન જોડવું પડે છે, જે ટ્રેનને પાછળથી ધક્કો મારીને ઢાળ ચડવામાં મદદરૂપ થાય છે એમ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ એન્જિન માત્ર ઢાળ ચડવા માટે જ જોડવામાં આવે છે. પાછળનાં આ એન્જિનોની બેવડી ભૂમિકા હોય છે - જરૂરી હોય તો વિશાળ ટ્રેનને પહાડો પર ધકેલવાની. જોકે વધુ મહત્ત્વની અને મુખ્ય ભૂમિકા ટ્રેન નીચે ઢાળ પર હોય ત્યારે એને લપસી જતી અટકાવવાની છે એમ નિયંત્રણ હેઠળ એક વરિષ્ઠ અધિકારીએ સમજાવ્યું હતું.
મધ્ય રેલવેએ જાન્યુઆરી ૨૦૧૯માં મુંબઈ-સીએસએમટી રાજધાની એક્સપ્રેસ શરૂ કરી હતી ત્યારે એણે ઘાટ પર પુશ-પુલ લોકોમોટિવના રૂપમાં ટ્રેન ચલાવવા માટે એનો પોતાનો તકનીકી ઉકેલ ઘડી કાઢ્યો હતો. એમાં ટ્રેનના બંને છેડા સાથે એન્જિનને જોડવામાં આવશે એમ ઠરાવાયું હતું. આ એન્જિન જોડવા માટે ઘાટ પર રોકાવાની જરૂર છે જેને કારણે ઢાળ ચડવામાં લાગતો સમય બચાવી શકાય છે.
૧૦ ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિર્ડી એમ બે ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવશે.
આ તમામ બાબતોની તૈયારી કરનારી ટીમના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પોતે જ ખૂબ શક્તિશાળી છે અને એને તીવ્ર ઢોળાવ ચડવા માટે કોઈ સહારાની આવશ્યકતા નથી. અમે ટ્રેનનાં વધારાનાં સેફ્ટી ફીચર્સમાં પાર્કિંગ બ્રેક નામનું ઉપકરણ જોડી રહ્યા છીએ, જે ટ્રેનને ઢાળ ચડતી વખતે ધક્કો આપવાનું તેમ જ ઢાળ ઊતરતી વખતે નીચે સરકી જતી અટકાવવાનું કામ કરશે. આ ટ્રેનોને ઘાટ પર ચડાવવાની વિસ્તૃત ટ્રાયલ લીધા બાદ એને પૅસેન્જર સર્વિસમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’ મુંબઈ અને સોલાપુર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ભોર ઘાટ (પુણે જતાં કર્જત અને ખંડાલા વચ્ચે) થઈને જવા અપેિક્ષત છે. એ બંને સ્થળ વચ્ચેનું ૪૫૫ કિલોમીટરનું અંતર ૬.૩૫ કલાકમાં કવર કરશે. બીજી તરફ મુંબઈ-શિર્ડી વચ્ચેની સેમી હાઈ-સ્પીડ ટ્રેન થલ ઘાટ (મુંબઈની હદ પર આવેલા કસારામાં) થઈને જશે અને ૩૪૦ કિલોમીટરનું અંતર ૫.૨૫ કલાકમાં કવર કરશે.
બાંધકામનાં મુશ્કેલ વર્ષો
સેન્ટ્રલ રેલવે તરીકે ઓળખાતી ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (જીઆઇપીઆર) દ્વારા ભોર અને થલ ઘાટના નિર્માણને પૂરું કરવામાં ઘણાં વર્ષો અને કામદારોના જીવનનો સમય લાગ્યો હતો. કલ્યાણ લાઇનને ૧૮૫૬ની ૧૨ મેએ પલાસધારી થઈને ખોપોલી સુધી લંબાવવામાં આવી હતી તથા ૧૮૫૮ની ૧૪ જૂને ખંડાલા-પુણે વિભાગને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પલાસધારી-ખંડાલા વિભાગમાં ભોર ઘાટના મુશ્કેલ ક્રૉસિંગનો સમાવેશ થાય છે એ પૂરો થવામાં બીજાં પાંચ વર્ષ લાગ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન ખોપોલી ગામ સુધીનું પાલખી, ટટ્ટુ અથવા ગાડા દ્વારા ૨૧ કિલોમીટરનું અંતર અંતર આવરી લેવામાં આવ્યું હતું.
કસારા લાઇન ૧૮૬૧ની પહેલી જાન્યુઆરીએ ખુલ્લી મૂકવામાં આવી હતી અને તીવ્ર થલ ઘાટનું ઇગતપુરી સુધીનું સેક્શન ૧૮૬૫ની પહેલી જાન્યુઆરીએ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમ સહ્યાદ્રિ ક્રૉસિંગનું કામ પૂરું કરવામાં આવ્યું હતું.