Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોરીના ૨૭ ગુનામાં છ રાજ્યોની પોલીસ જેને શોધી રહી હતી એ ગુજરાતી આખરે પકડાયો

ચોરીના ૨૭ ગુનામાં છ રાજ્યોની પોલીસ જેને શોધી રહી હતી એ ગુજરાતી આખરે પકડાયો

Published : 08 July, 2024 07:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લક્ઝરી લાઇફ જીવવા ૧૫ વર્ષની ઉંમરે ચોરીની લાઇને ચડી ગયેલો મુમ્બ્રાનો રોહિત સોલંકી વલસાડ પોલીસના હાથે લાગ્યો: તે આઉડી કાર, મોંઘા આઇફોન સહિત ડ્રગ્સનો છે શોખીન

આરોપી રોહિત સોલંકી તેની આઉડી કાર સાથે.

આરોપી રોહિત સોલંકી તેની આઉડી કાર સાથે.


થાણે જિલ્લાના મુમ્બ્રામાં રહેતા ૨૪ વર્ષના રોહિત કનુભાઈ સોલંકીની વલસાડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રિક્ષા-ડ્રાઇવર, હોટેલિયર, પેપર-વેન્ડર જેવા વેશપલટો કરી પાંચ દિવસની ભારે જહેમત બાદ મુમ્બ્રામાંથી આખરે તેની બુધવારે ધરપકડ કરી હતી. રોહિતે ૧૫ વર્ષની ઉંમરે સાઇકલ ચોરી કરી ગુનેગારીની દુનિયામાં પગ મૂક્યો હતો જે બાદ લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવા માટે તેણે આશરે ૨૭ ચોરીને અંજામ આપ્યો હોવાનો તેના પર આરોપ છે. એટલું જ નહીં, તેણે દેશનાં અડધો ડઝન રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી છે. રોહિત ચોરી કરવા હવાઈ મુસાફરી કરી બીજાં રાજ્યોમાં જતો અને ત્યાં ફાઇવ સ્ટાર હોટેલમાં રહી આસપાસના વિસ્તારોની રેકી કરતો હતો.


ફ્લાઇટમાં ચોરી કરવા જઈ તે ફાઇવ સ્ટાર મોંઘી હોટેલોમાં રહેતો અને દિવસ દરમ્યાન તે વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રે મોકો મળતાં જ લાખોની ચોરી કરી ફ્લાઇટમાં જ પરત મુંબઈ પોતાના ઘરે આવી જતો હતો, એમ જણાવતાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાપીના ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન  (GIDC) વિસ્તારમાંથી જૂન મહિનાની શરૂઆતમાં એક ખાલી ઘરમાંથી ૬૦,૦૦૦ રૂપિયાના દાગીના અને ૪૦,૦૦૦ રૂપિયાની રોકડ એમ એક લાખ રૂપિયાની ચોરી થઈ હતી જેની તપાસ કરતી વખતે ઘટનાનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ફુટેજ તપાસતાં અમને આરોપી રોહિત સોલંકીની માહિતી મળી હતી. અંતે તેની ટેક્નિકલ માહિતી કાઢતાં તે થાણે જિલ્લાના મુમ્બ્રામાં હોવાની માહિતી અમને મળી હતી. જોકે જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે તે ઘરમાં મળી આવ્યો નહોતો, પણ તેની લોકેશન એ જ વિસ્તારમાં દેખાઈ રહી હતી એટલે અમે એ જ વિસ્તારમાં વેશપલટો કરી રહ્યા હતા. આશરે પાંચ દિવસ બાદ તેની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં અમને સફળતા મળી હતી. જ્યારે અમે આરોપીની વધુ માહિતી મેળવી ત્યારે પ્રકાશમાં આવ્યું કે આરોપી બહુ જ હોશિયાર હતો. તેના પર છથી વધારે રાજ્યોમાં ૨૭થી વધારે ફરિયાદો નોંધાઈ છે જેમાં મોટા ભાગની ફરિયાદો મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં નોંધાયેલી છે. તેને ખબર હતી કે ક્યારે પણ પોલીસ તેની ધરપકડ કરી શકે છે એટલે તે ઘરે રહેતો જ નહીં. આસપાસના વિસ્તારોમાં લક્ઝરી આઉડી કારમાં ફરતો અને અંધેરી, બાંદરાના પબ અને હોટેલમાં જઈ મોજમજા કરતો રહેતો હતો. આ કેસની આગળની તપાસ અમે વાપીના GIDC પોલીસ-સ્ટેશનને આપી છે.’



આરોપી રોહિત પાસેથી આશરે ૧૨ લાખ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ૨૭ કેસમાંથી તેની ૧૩ કેસમાં ધરપકડ થઈ છે, બાકીના કેસોમાં તે વૉન્ટેડ છે, એમ જણાવતાં વાપીના GIDC પોલીસ-સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર દીપાંજલિ ત્રિપાઠીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોહિત પર સૌથી વધુ મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં ગુના નોંધાયેલા છે. એની સાથે તેના પર ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઉત્તર પ્રદેશ, દાદરા નગર હવેલી સહિત દેશનાં અડધો ડઝનથી વધુ રાજ્યોમાં તે ચોરીના કારનામાને અંજામ આપી ચૂક્યો છે. તેણે તમામ ચોરીઓ ડ્રગ્સનો નશો કરવા અને લકઝરી લાઇફ જીવવા માટે કરી હોવાની કબૂલાત અમારી સામે આપી છે. આ કેસમાં તેના બીજા સાગરીતો છે કે નહીં એની તપાસ હાથ ધરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK