આ વર્ષે થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં ઓછામાં ઓછી 47 શાળાઓ અનધિકૃત હોવાની માહિતી સામે આવી છે. આ શાળાઓમાં મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની ખાનગી શાળા હોવાનું સામે આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે થાણે મ્યુનિસિપલ (Thane Municipal Corporation) વિસ્તારમાં ઓછામાં ઓછી 47 શાળાઓ અનધિકૃત હોવાની માહિતી સામે આવી છે. આ શાળાઓમાં મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની ખાનગી શાળા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જો અનધિકૃત શાળા ખોલાશે તો શાળા પ્રશાસનને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત શાળા હજુ પણ ખુલ્લી રહેશે તો દરરોજ 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા આ શાળાઓ પર કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી વહીવટીતંત્રની ભૂમિકા પર પણ સવાલો પણ ઉઠી રહ્યા છે. આ સાથે જ આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં રાજ્ય સરકારની માન્યતા વિના ગેરકાયદેસર શાળાઓ ચાલી રહી છે. જેમાંથી 42 શાળાઓ અંગ્રેજી માધ્યમની, બે મરાઠી અને ત્રણ હિન્દી માધ્યમની શાળાઓ છે. 85 ટકા બિન-સત્તાવાર શાળાઓ દિવા અને મુંબ્રા શહેરમાં આવેલી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
મહાનગરપાલિકાએ તાજેતરમાં આ અનધિકૃત શાળાઓની યાદી જાહેર કરી હતી. તેમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે, આ શાળાના વહીવટીતંત્ર સામે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009ની કલમ 18 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેથી શાળાની માન્યતા રદ થયા પછી પણ જો શાળા ગેરકાયદેસર રીતે ચાલુ રાખવામાં આવશે તો જે તે શાળા માટે દરરોજ 1 લાખથી 10,000 સુધીના દંડની જોગવાઈ છે.
જોકે, મહાનગરપાલિકાએ આ શાળાઓની માત્ર યાદી અખબારોમાં જાહેરાતો દ્વારા પ્રસિદ્ધ કરી છે. ઉપરાંત નોટિસ આપવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સંબંધિત શાળામાં પ્રવેશ ન આપી શકાય તે માટે આવી શાળાઓની બહાર બોર્ડ લગાવવા જરૂરી હોવા છતાં લોકજાગૃતિના અભાવે આવી શાળાઓમાં પ્રવેશ ચાલુ રહ્યો હતો.
આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આમાંની મોટાભાગની શાળાઓ ચાલી, શેરીઓમાં આવેલી છે. શાળાઓના બાંધકામની સ્થિતિ પણ સારી નથી. શાળાની સામે રમતનું મેદાન હોવાથી મકાન સારું હોવું જોઈએ. આવા નિયમોનું પણ પાલન આમાં થયેલું જોવા મળતું નથી.
અગ્રણી સમાચારના એક અહેવાલ મુજબ થાણે નગરપાલિકાના શિક્ષણ અધિકારી બાલાસાહેબ રક્ષેએ જણાવ્યું હતું કે, “અમે અનધિકૃત શાળાઓની યાદી જાહેર કરી હતી. શાળાઓને નોટિસ પણ મોકલવામાં આવી છે. શાળાઓ સામે ટૂંક સમયમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.” ઉપરાંત એક ફરિયાદીએ કહ્યું હતું કે, “મહાનગરપાલિકા દ્વારા માત્ર શાળાઓની યાદી જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એક પણ શાળા સામે પગલાં લેવાતા નથી. શાળાઓ અંગે ફરિયાદો કરવામાં આવી છે. તે પછી પણ શાળા પૂરજોશમાં ચાલુ રહે છે.”