આ મામલે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે માલેગાંવમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું હતું કે સાવરકરનું અપમાન સહન કરવામાં નહીં આવે
ઉદ્ધવ ઠાકરે
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સચિવાલય દ્વારા સંસદસભ્ય તરીકે શનિવારે ગેરલાયક જાહેર કરાયા હતા. એ વિશે પત્રકારો સાથે બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મારું નામ સાવરકર નથી, ગાંધી છે. ગાંધી ક્યારેય માફી માગતા નથી.’
આ મામલે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે માલેગાંવમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું હતું કે સાવરકરનું અપમાન સહન કરવામાં નહીં આવે. માલેગાંવની એમએસજી કૉલેજના મેદાનમાં આયોજિત સભામાં ઉદ્ધવે કહ્યું હતું કે ‘રાહુલ, તમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા. સંજય રાઉત અને અમે પણ તમારી સાથે હતા. આ લડાઈ લોકશાહીની છે. રાહુલ, સ્વતંત્રતાસેનાની સાવરકર અમારા માટે ઈશ્વર સમાન છે. તેમનું અપમાન સહન નહીં થાય. સાવરકરે ૧૪ વર્ષ સુધી જેલવાસ સહન કર્યો એ પણ એક પ્રકારનું બલિદાન છે. દેશની લોકશાહી બચાવવા આપણે બધા ભેગા થયા છીએ એટલે એમાં ભાગલા પડવા ન દેતા. જાણીજોઈને તમને ઊંધા રવાડે ચડાવવામાં આવે છે. જો આ વખતે તક ચૂકી જઈશું તો દેશમાં સરમુખત્યારશાહી આવ્યા વગર નહીં રહે.’
ADVERTISEMENT
ઉદ્ધવની રૅલીમાં ઉર્દૂમાં બૅનર્સ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે નાશિકના માલેગાંવ વિસ્તારમાં એક રૅલી દરમ્યાન બૅનરો પર ઉર્દૂ ભાષાના ઉપયોગ કરવા બદલ શિવસેનાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે ‘આજે ઉદ્ધવ ઠાકરેની માલેગાંવમાં રૅલી હતી. એ પહેલાં ઉર્દૂમાં બૅનરો લગાવવામાં આવ્યાં હતાં. અમે કોઈ ધર્મના વિરોધી નથી. ઉર્દૂ પણ એક ભાષા છે. અમે એની વિરુદ્ધ નથી. અમે એમનો વિરોધ કરીએ છીએ જેઓ અન્યને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની વર્તણૂક માટે તેમણે બાળસાહેબ ઠાકરેને જવાબ આપવો પડશે.’