મહારાષ્ટ્રમાં NDAની જીત સમજથી બહાર, જીત પર સવાલ દરેક વ્યક્તિના મનમાં એમ કહીને ઉદ્ધવ ઠાકરે બોલ્યા...
ગઈ કાલે માતોશ્રીમાં પ્રેસ-કૉન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે. (તસવીર : સતેજ શિંદે)
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને મળેલી કારમી હાર અને મહાયુતિને મળેલા ભવ્ય વિજય વિશે પ્રતિક્રિયા આપતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં NDAની જીત સમજથી બહાર છે, આ જીત વિશે સવાલ દરેક વ્યક્તિના મનમાં છે.
ઉદ્ધવ ઠાકરેએ બીજું શું કહ્યું?
ADVERTISEMENT
જાણે એવું લાગે છે કે લહેર કરતાં સુનામી આવી હોય એવું વાતાવરણ છે. સર્વસામાન્ય લોકોએ એ પરિણામ સ્વીકાર્યું કે નહીં એ સવાલ છે. આંકડા જોઈને લાગે છે કે સરકારને અધિવેશનમાં મંજૂરી માંડવાની ગરજ જ નહીં પડે. લોકોએ વિરોધ પક્ષને રાખવો જ નથી એવું ઠરાવી દીધું છે.
જે પરિણામો આવ્યાં છે એ અનપેક્ષિત છે, પણ મહા વિકાસ આઘાડીને જે મતદારોએ મત આપ્યા છે તેમને હું ધન્યવાદ આપું છું. કેટલાક લોકો આને EVMની જીત બતાવી રહ્યા છે, બની શકે છે; પણ મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે અમે લડતા રહીશું.
હવે એ જોવાનું છે કે આ જીત આમ આદમીને પચે છે કે નહીં. આ વિચારવાની વાત છે. પરિણામો અભૂતપૂર્વ અને રહસ્યમય છે. આ કેવી રીતે થયું એ સવાલ દરેકના મનમાં છે. એની પાછળના રહસ્યનું કારણ થોડા દિવસોમાં જાણવા મળી જશે.
અમને એવી આશા છે કે અસલ BJPનો કોઈ નેતા મુખ્ય પ્રધાન બનશે. તેઓ હમણાં જીત્યા છે તેથી તેમને અભિનંદન આપીએ છીએ.
હવે વિધાનસભામાં આ લોકો કોઈ પણ બિલ લઈને આવે તો એને પાસ કરવા માટે કોઈ પરેશાની નહીં થાય. લોકોએ NDAને શા માટે મત આપ્યા એ સમજાતું નથી. રાજ્યમાં સોયાબીનની કિંમત મળી રહી નથી, નોકરીઓ મળતી નથી. બાકીની સમસ્યાઓ એમની એમ જ છે.
મેં ચૂંટણીપ્રચાર વખતે આખા રાજ્યની યાત્રા કરી હતી. આ પરિણામનો મતલબ છે કે લોકોએ મહાયુતિને શા માટે મત આપ્યા? શું એટલા માટે આપ્યા કે તેમને સોયાબીનના યોગ્ય ભાવ નથી મળી રહ્યા? શું તમે એટલા માટે મત આપ્યા કે તેમને કપાસના ભાવ બરાબર નથી મળ્યા? શું એટલા માટે મત આપ્યા કે મહારાષ્ટ્રના ઉદ્યોગો તેઓ ગુજરાતમાં લઈ ગયા? શું તેમણે મહિલા સુરક્ષા માટે મત આપ્યા? હું આમ નથી સમજતો. આ લહેર પ્યારની નહીં પણ ગુસ્સાની છે.
હાલમાં હું મહારાષ્ટ્રના લોકોને એટલું જ કહેવા માગું છું કે તેઓ નિરાશ થાય નહીં. રાજ્યના લોકો આ પરિણામ સ્વીકારી લે તો કંઈ કહેવાની જરૂર નથી. જો એમ ન હોય તો અમે સંઘર્ષ કરીશું. હું વચન આપું છું કે હું તમારી સાથે છું.
BJPના અધ્યક્ષ જે. પી. નડ્ડા કહેતા હતા કે ફક્ત એક જ પક્ષ રહેશે. એ અનુસાર દેશ ‘વન નેશન, વન પાર્ટી’ તરફ આગળ વધી રહ્યો છે.
લાડકી બહેન યોજનાની આ ઇમ્પૅક્ટ હોય તો પણ બાકીની વાતો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. લાડકી બહેન કરતાં વધારે ગિરદી અમારી પ્રચારસભામાં દેખાતી હતી. ઘર કેમ ચલાવવું, કારણ કે મોંઘવારી વધી રહી છે એવું પૂછવામાં આવતું હતું; પણ મોંઘવારી વધી છે એની શાબાશી આપવા માટે લોકોએ તેમને મત આપ્યા છે? આ હું કોઈ ટોણો મારી રહ્યો નથી, પણ અસલ BJPનો મુખ્ય પ્રધાન થશે શું?