કેન્દ્રીય ગૃહ તેમ જ સહકારપ્રધાન અમિત શાહે મતદારો બીજેપીને મત આપશે તો અયોધ્યાની યાત્રા કરાવવાની જાહેરાતની ઠાકરે ભાઈઓએ કરી ટીકા
રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે
મધ્ય પ્રદેશના મતદારો બીજેપીને મત આપશે તો તેમને અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન ફ્રીમાં કરાવવામાં આવશે એવી જાહેરાત કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે બુધવારે કરી હતી એની ઉદ્ધવ અને રાજ ઠાકરેએ ટીકા કરી છે. રાજ ઠાકરએ બીજેપીની ટીકા કરતાં ગઈ કાલે કહ્યું હતું કે બીજેપીએ ટૂર ઍન્ડ ટ્રાવેલ્સનું નવું ખાતું ખોલાવ્યું હોવાનું લાગે છે. થાણેમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આવું કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ બીજેપીની આ સંબંધે ટીકા કરતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરેએ ૧૯૮૭માં હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડી હતી ત્યારે ચૂંટણી પંચે પાંચથી છ વિધાનસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. એટલું જ નહીં, બાળાસાહેબના મતદાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચૂંટણીની આચારસંહિતા છે ત્યારે ફ્રીમાં રામલલ્લાનાં દર્શનની લાલચ અમિત શાહે મતદારોને આપી છે એ આચારસંહિતાનો ભંગ નથી? ચૂંટણી પંચે અમિત શાહને છૂટ આપી છે?’
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ આ સંબંધે ચૂંટણી પંચને એક પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
બમ્પર મેજોરિટીથી મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ભારતના નાગરિકોએ નક્કી કરી લીધું છે એટલે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે. દિવાળી નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે આ સંબંધે કહ્યું હતું કે ‘આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતના લોકોએ પહેલેથી નક્કી કરી લીધું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પદ પર બેસાડવા છે. આથી મોદી ત્રીજી વખત બમ્પર મેજોરિટીથી સત્તા મેળવશે. હું લોકસભાની ચૂંટણી લડવાનો છું એ ચર્ચા ખોટી છે. હું આગામી વિધાનસભાની ચૂંટણી નાગપુરથી જ લડવાનો છું.’
ક્યાંય નથી તો પણ સર્વત્ર છું
એનસીપીના સ્થાપક શરદ પવારે ગઈ કાલે રહસ્યમય વિધાન કર્યું હતું. સોલાપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં શરદ પવારે કહ્યું હતું કે ‘ખેડૂતોના કેટલાક પ્રશ્નો રાજ્ય અને કેટલાક કેન્દ્ર સરકાર સંબંધિત છે. હું અત્યારે ક્યાંય નથી તો પણ તમે ચિંતા ન કરો. ક્યાંય ન હોવા છતાં હું સર્વત્ર છું. મેં બધાની વાત સાંભળી છે એટલે આ બાબતે મુખ્ય લોકો સાથે ચર્ચા કરીને આ જિલ્લાના ખેડૂતોના મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશ. જરૂર પડશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીશ.’
દિવાળીના સમયમાં શરદ પવાર અને અજિત પવારની બેથી વધુ વખત મુલાકાત થઈ છે ત્યારે શરદ પવારના ક્યાંય નથી પણ સર્વત્ર છું એવા વિધાનથી અટકળો શરૂ થઈ છે કે શરદ પવારના સંબંધ હજીયે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સારા છે તો તેઓ મહાવિકાસ આઘાડીમાં સામેલ થઈને બંને સરકારો સામે લડી રહ્યા છે.