ગઈ કાલે મળેલી ભૂતપૂર્વ નગરસેવકોની મીટિંગમાં આ નિર્ધાર કરવામાં આવ્યો
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા પછી મહાનગરપાલિકાનો અંતિમ ગઢ બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે માતોશ્રીમાં ભૂતપૂર્વ નગરસેવકોની બોલાવેલી મીટિંગમાં હિન્દુત્વના નારા સાથે સ્વબળે મહાનગરપાલિકાની ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો હતો. આ નિર્ધાર કરીને તેઓ ઍન્ટિ-હિન્દુની પોતાની છબી ભૂંસવા માગે છે.
મહાનગરપાલિકામાં અનેક વર્ષોથી શિવસેના ભગવો ઝંડો ફરકાવી રહી છે, પણ વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને અને મહાયુતિને મળેલા પ્રચંડ વિજય પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના એના અભેદ્ય કિલ્લાને બચાવવા માટે અત્યારથી તૈયારી કરવા માટે સફાળી જાગી છે. એ માટે ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નગરસેવિકોની મીટિંગ લેવામાં આવી હતી, જેમાં વિધાનસભ્યો પણ હાજર રહ્યા હતા. તેઓ હવે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા કમર કસી રહ્યા છે. એના માટે વિનાયક રાઉત, અનિલ પરબ, મિલિંદ નાર્વેકર, વરુણ સરદેસાઈ, સુનીલ રાઉત, બાળા નર, સુનીલ શિંદે, અમોલ કીર્તિકર સાથે મુંબઈની ૩૬ વિધાનસભાના ૨૨૭ પ્રભાગોમાં તૈયારી શરૂ કરવા માટે ૧૮ જણની ટીમ બનાવવામાં આવી છે. તેઓ બધા પ્રભાગોમાં મીટિંગ કરીને એક અઠવાડિયામાં ઉદ્ધવ ઠાકરેને તેમનો રિપોર્ટ સુપરત કરશે અને આ રિપોર્ટના આધારે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.