વિરોધ પક્ષના નેતા અજિત પવારે દાવો કર્યો કે શિવસેનાના વિધાનસભ્યો ફૂટી રહ્યા હોવાની ત્રણ વખત જાણ કરી હોવા છતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આ વાત કાને નહોતી ધરી
Politics
ઉદ્ધવ ઠાકરે અને અજીત પવાર
મુંબઈ ઃ મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટો બળવો ગયા વર્ષે જૂન મહિનામાં થયો હતો. એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ અને અપક્ષના ૧૦ મળીને કુલ ૫૦ વિધાનસભ્યોએ બળવો કરતાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીની મહાવિકાસ આઘાડી સરકાર તૂટી પડી હતી. આ બળવા વિશે વિરોધ પક્ષના નેતા અજિત પવારે દાવો કર્યો છે કે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને ત્રણ વખત સાવધ કર્યા હોવા છતાં તેમણે વાત કાને નહોતી ધરી. આવું કહીને એક રીતે અજિત પવારે મહાવિકાસ આઘાડી સરકાર તૂટી પડવા માટે ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ઠેરવ્યા છે.
અજિત પવારે પુણેમાં ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘શિવસેનાના વિધાનસભ્યો બળવો કરવાના છે એની માહિતી ઉદ્ધવ ઠાકરેને બે-ત્રણ વખત શરદ પવારે ફોન કરીને આપી હતી. એટલું જ નહીં, તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે આ બાબતે બેઠક પણ કરી હતી. આમ છતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને તેમના વિધાનસભ્યો પર વિશ્વાસ છે. આ વિશ્વાસ
તેમને ભારે પડ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમની નજર સામે બળવો થવા દીધો અને વિધાનસભ્યોને ખુશીથી જવા
દીધા. આવું નહોતું થવું જોઈતું. મેં પોતે તેમને સાવધ કર્યા હતા, પણ તેમણે
કહ્યું હતું કે હું એકનાથ શિંદે સાથે વાત કરીશ. આ અમારો પક્ષની અંદરનો મામલો છે.’
શિક્ષિત અશિક્ષિત પુરવાર થયા?
વિધાન પરિષદની અમરાવતી ગ્રૅજ્યુએટ્સ મતદાર સંઘ માટેની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે ૩૩ કલાકની મતગણરી બાદ જાહેર થયું હતું. અહીં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર ધીરજ લિંગડેએ બીજેપીના ઉમેદવાર ડૉ. રણજિત પાટીલને ૩,૩૮૨ મતના તફાવતથી હરાવ્યા હતા. ધીરજ લિંગડેને ૪૬,૩૪૪ મત અને ડૉ. રણજિત પાટીલને ૪૨,૯૬૨ મત મળ્યા હતા. અહીં ચોંકાવનારી વાત એ છે કે કુલ ૧,૦૨,૫૮૭ શિક્ષિતોએ મતદાન કર્યું હતું. એમાંથી ૮,૩૮૭ મત ઇનવૅલિડ જાહેર કરવામાં આવ્યા હતા. આટલા લોકોએ તેમના પસંદગીના ઉમેદવારના નામ સામે ૧ને બદલે ૨ અંક લખ્યા હતા. આવા મોટા ભાગના ઇનવૅલિડ મત બીજેપીના ઉમેદવાર ડૉ. રણજિત પાટીલના મળી આવ્યા હતા. સામાન્ય રીતે આટલા બધા મત ઇનવૅલિડ ન થાય, પણ હજારોની સંખ્યામાં આવા મત મળી આવતાં બીજી વખત મતગણતરી કરવામાં આવી હતી. આથી અમરાવતીની આ બેઠકનું પરિણામ જાહેર કરતાં ૩૩ કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. આવું થવા પાછળ કોઈ રાજકારણ રમાયું છે કે મતદારની અજ્ઞાનતા છે એ ચર્ચાનો વિષય બન્યો છે. આ બેઠકમાં કુલ ૨,૦૬,૧૭૨ મતદાર હતા. એમાંથી ૧,૦૨,૫૮૭ લોકોએ મતદાન કર્યું હતું. આમાંથી ૯૪,૨૨૦ મત કાયદેસરના ગણવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પેટાચૂંટણી બની માથાનો દુખાવો
પુણેની કસબા અને પિંપરી-ચિંચવડ વિધાનસભાની પેટાચૂંટણી મહાવિકાસ આઘાડી માટે માથાનો દુખાવો બની હોવાનું જાણવા મળ્યું હતું. બે બેઠક માટે શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચે ઉમેદવારી નોંધાવવા માટે ખેંચતાણ ચાલી રહી છે. ત્રણમાંથી એકેય પક્ષ નમતું જોખવા નથી માગતો. આ બંને બેઠકમાં શિવસેના બીજેપી સાથેની યુતિમાં ૨૦૧૯ની ચૂંટણી લડી હતી એટલે શિવસેના દાવો કરી રહી છે કે અહીં તેના પરંપરાગત મતદારો છે, જ્યારે એનસીપી અને કૉન્ગ્રેસ પેટાચૂંટણી લડીને હાથમાં આવેલી તક જવા નથી દેવા માગતા. બીજી તરફ બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ વિરોધી પક્ષોને પત્ર લખીને વિનંતી કરી છે કે આ ચૂંટણી બિનહરીફ થાય. આથી રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીને પોણાબે વર્ષ જ બાકી રહ્યાં છે ત્યારે આ પેટાચૂંટણી બધા માટે માથાનો દુખાવો બની રહી છે.
સંજય રાઉતે કિરીટ સોમૈયા, નારાયણ રાણેને નોટિસ મોકલી
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે બીજેપીના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાને લીગલ નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. બંને નેતાએ પોતાની ખોટી બદનામી કરી હોવાનો દાવો કરીને સંજય રાઉતે નોટિસ મોકલી છે, જેમાં તેમણે કહ્યું છે કે માફી નહીં માગવામાં આવે તો કોર્ટમાં કેસ કરવામાં આવશે.