બાળાસાહેબના ચિરંજીવને લીલા ઝંડાની તાલે નાચતા જોઈને ખૂબ જ દુખ થાય છે
દેવેન્દ્ર ફડણવીસ
ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પુણેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના શિવસંકલ્પ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આકરા શબ્દોમાં ટીકા કરીને તેમની સરખામણી અહમદ શાહ અબ્દાલી સાથે કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી. આ વિશે અમરાવતીમાં કાર્યકરોને સંબોધતી વખતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મને એક વાતનું આશ્ચર્ય થાય છે. પક્ષ ફૂટે છે, પક્ષની યુતિ રહેતી નથી; પણ જેમણે હિન્દુત્વ માટે આખી જિંદગી લડત ચલાવી તે બાળાસાહેબના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરેને લીલા ઝંડાની તાલે નાચતા જોઈને દુઃખ થાય છે. હવે અહીં કોની પાસે શું અપેક્ષા રાખવી? અમારો વિરોધ કોઈ જાતિ કે ધર્મનો નથી. અમારું એટલું જ કહેવું છે કે બધાને તક, અધિકાર હશે; પણ એક વિશેષ વર્ગ કે ધર્મના આધારે અમે ચૂંટાઈને આવીએ એવું કોઈ કહેતું હોય તો તમે તેમને જવાબ આપશો કે નહીં?’
દેવેન્દ્ર ફડણવીસે કાર્યકરોને વધુમાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં ભારતની જનતાએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવ્યા, પણ મહારાષ્ટ્રમાં આપણે ઊણા ઊતર્યા એટલે કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે. આ ચૂંટણી ત્રણ પક્ષો નહીં પણ ફેક નૅરેટિવ નામના ચોથા સામે હતી. આ લોકો એટલા બેશરમ છે કે તેમને ખોટું બોલ્યા વિના સવારનો નાસ્તો અને રાતનું ભોજન ગળે નથી ઊતરતું. હવે આવી બાબતથી સાવધ થઈ જવાની જરૂર છે. લાડકી બહિણ યોજનાથી વિરોધીઓ ગભરાઈ ગયા છે એટલે ફરી તેઓ જનતામાં અફવા ફેલાવી રહ્યા છે કે ચૂંટણી બાદ આ યોજના બંધ કરવામાં આવશે. કૉન્ગ્રેસના નેતાઓ તો કોર્ટમાં આ યોજના બંધ કરાવવા ગયા છે. કૉન્ગ્રેસને મારો સવાલ છે કે તમે મહિલાઓને ૧૫૦૦ રૂપિયા નથી આપી શકતા તો રાહુલ ગાંધી જે ખટાખટ-ખટાખટ રૂપિયા આપવાના હતા એ શું ઝાડ પર ઉગાડવાના હતા?’