રાજ ઠાકરેના ભાણેજનાં લગ્નમાં ઉદ્ધવ ઠાકરેનો પરિવાર હાજર રહ્યા બાદ ચર્ચા શરૂ થઈ : બન્ને પાર્ટીના કાર્યકરો તો પિતરાઈ ભાઈઓ સાથે આવે એવું ઘણા સમયથી કહી રહ્યા છે
ગઈ કાલે દાદરમાં રાજ ઠાકરેનાં બહેનના દીકરાનાં લગ્નમાં ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મિ સાથે હાજર રહ્યા હતા
વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ફટકો પડ્યા બાદ બન્નેએ ફરી સાથે આવવું જોઈએ એવી ભાવના તેમના કાર્યકરોએ વ્યક્ત કરી છે. એવામાં ગઈ કાલે રાજ ઠાકરેનાં બહેન જયવંતી દેશપાંડેના પુત્ર યશના દાદરમાં આયોજિત લગ્નસમારંભમાં ઉદ્ધવ ઠાકરે સપરિવાર પહોંચ્યા હતા. રાજ અને ઉદ્ધવ ઠાકરે આ લગ્નસમારંભમાં સાથે જોવા મળ્યા હતા. આ કૌટુંબિક મુલાકાત બાદ ગઈ કાલે ફરીથી ઠાકરે ભાઈઓ સાથે આવશે કે કેમ એની ચર્ચા શરૂ થઈ છે. નોંધનીય વાત એ છે કે હજી ગયા અઠવાડિયે જ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરનાં પત્ની રશ્મિ ઠાકરેના પિયરમાં લગ્ન હતાં એમાં હાજરી આપી હતી. રાજ ઠાકરેનાં બહેન અને રશ્મિ ઠાકરેને સારા સંબંધ હોવાથી તેઓ લગ્નમાં હાજર રહ્યા હોવાનું પણ કહેવાય છે. ગઈ કાલે રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરેએ એકબીજા સાથે વાતચીત પણ કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ૨૦ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા હતા તો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માં પુત્ર અમિત ઠાકરે સહિત તમામ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી સમયમાં ઠાકરે પરિવારની પાર્ટીનો વધુ રકાસ ન થાય એ માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ સાથે આવવું જોઈએ એવી માગણી બન્નેના પક્ષના કાર્યકરો કરી રહ્યા છે.
ADVERTISEMENT
સત્તાધારી મહાયુતિનો સામનો કરવા માટે ઉદ્ધવ અને રાજ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘એક હૈં તો સેફ હૈં’ મંત્ર અપનાવશે કે કેમ એ તો સમય કહેશે. જોકે ૨૦૧૪ અને ૨૦૧૭માં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને યુતિ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પણ એ સમયે ઉદ્ધવ ઠાકરેએ રાજને સકારાત્મક જવાબ નહોતો આપ્યો. જોકે હવે રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થતાં ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ કફોડી થઈ છે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પોતાના હાથમાં જ રહે એ માટે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે સાથે હાથ મિલાવે છે કે કેમ એ જોવું રહ્યું.